Gujarat
પાલડી ગામ પાસેનો બ્રિજ જર્જરીત હોય 7 મહિના માટે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો
By GS TEAM
11 Jul 20251 min read

હાલોલ- વડોદરા હાઇવે નજીક આવેલ પાલડી પાસેના વિશ્વામિત્રી નદી ઉપરનો બ્રિજ જોખમી હોય આગામી 7 મહિના માટે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
વાઘોડિયા તાલુકાના લીલોરા, પાલડી ,ખાખરીયા માર્ગ પરના વિશ્વામિત્રી નદી પરનો જુનો મેશનરી બ્રીજ જોખમી જણાતા વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલ દ્વારા જાહેરનામું જારી કરી જણાવ્યું છે કે, મેશનરી બ્રિજ જોખમી હાલતમાં હોય, હાલ તેની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. સંપાદનની કામગીરી અધુરી હોવાથી બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ અંદાજે 8 મહિનાનો સમય લાગી શકે તેમ છે. જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર ઉપર 15 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે પાલડી - ધનોરા - હરીપુરા- જરોદ - લીલોરા રોડ તથા પાલડી - શંકરપુરા - બોડીદ્રા- હાંસાપુરા - આસોજ - લીલોરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.








