જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનના ચાલકોની દાદાગીરી
Jamnagar : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી એસ્સાર પેટ્રોલ નજીક આવેલા બ્રીજ સુધી રોડની બંને બાજુએ આડેધડ ભારેખમ જેમાં ટ્રક, પ્રાઇવેટ બસ જેવા વાહનો પાર્કિંગ થયા પછી રસ્તા વચ્ચેથી નીકળતાં નાનાં-મોટાં વાહનો માટે ભારે પરેશાની ઊભી થઇ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી રોડની બંને સાઇડમાં લાંબી-લાંબી લાઇનો સાથે મોટા વાહનો અડચણરૂપ બની ઊભાં રહે છે. જેને લીધે બંને બાજુએ પાર્કિંગ થયેલાં વાહનો વચ્ચેના રોડ પરથી પસાર થતા અનેક નાના-મોટાં વાહનોને અવર-જવર માટે મોટી અસર થાય છે. ખાસ કરીને રાત્રીના ભાગે મીની ટેમ્પો, ટ્રક અને બસ જેવા વાહનોનો ખડકલો યમદૂત સમાન બની શકે છે. ત્યાર, સ્થાનિક રહેવાસીઓ દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમય થી મુખ્ય રોડની બંને બાજુ મોટા વાહન પાર્કિંગના લીધે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે અને ટ્રાફિક પણ જામની સમસ્યા વારંવાર થાય છે.
ઉલ્લેખનીય છે કે, કાલાવડ નાકાથી એસાર પેટ્રોલ પંપ નજીક આવેલ બ્રીજ સુધી રોડ પર છેલ્લા 3 માસમાં 15 થી વધુ અકસ્માતના બનાવ બન્યા છે. આવી ઘટના ભવિષ્યકાળમાં પણ નોતરશે, અકસ્માતને આમંત્રણ આપશે, કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે આગામી સમય જ બતાવશે.