Vadodara : સંસ્કારી નગરી વડોદરાના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત મહત્વના એવા ખિસકોલી સર્કલ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 12માં અટલાદરાથી વિશ્વામિત્રી નદી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વરસાદી કાંસની કામગીરી હાલ નાગરિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ કામગીરી અંતર્ગત રસ્તા પર કાંસ ક્રોસ કરવામાં આવી રહ્યો હોવાથી મુખ્ય માર્ગ નોંધપાત્ર રીતે સાંકડો થઈ ગયો છે, જેને કારણે દિવસ-રાત અહીં વાહનોની લાંબી લાઈનો લાગે છે.
ધીમી કામગીરીથી લોકો 3 મહિનાથી પરેશાન
છેલ્લા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલી આ ધીમી કામગીરીને કારણે રોજેરોજ હજારો નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ધંધાદારીઓ ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. 24 કલાક ધમધમતા આ માર્ગ પર રસ્તાની પહોળાઈ ઘટતા વાહનચાલકોએ કલાકો સુધી રઝળપાટ કરવો પડે છે. આ પરિસ્થિતિને કારણે લોકોના કિંમતી સમયનો વેડફાટ થઈ રહ્યો છે અને મોંઘા ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. સમયસર ગંતવ્ય સ્થાને ન પહોંચી શકવાને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈમરજન્સી વાહનો પણ અટવાઈ રહ્યા છે
સૌથી ગંભીર બાબત એ છે કે આ ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો પણ અટવાઈ રહ્યા છે. કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં થતો વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. બીજી તરફ, મર્યાદિત જગ્યા અને વાહનોના ભારે ધસારાને કારણે ટ્રાફિક પોલીસને પણ વ્યવસ્થા જાળવવામાં નાકે દમ આવી રહ્યો છે. સતત હોર્નનો અવાજ અને પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશો પણ પરેશાન થઈ ઉઠ્યા છે.
યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવા માગ
સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ 'ગોકળગાય' ગતિની કામગીરી સામે આકરા આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે આટલા મહત્વના મુખ્ય માર્ગ પર જ્યારે કામ ચાલતું હોય ત્યારે તેને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવું જોઈએ, પરંતુ અહીં તંત્રની ઉદાસીનતા સાફ દેખાઈ રહી છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને માર્ગને પૂર્વવત કરી જનતાને આ ટ્રાફિકના નરકમાંથી મુક્તિ અપાવવામાં આવે.


