વડોદરા, તા.8 વડોદરા શહેરમાં પીક અવર્સ દરમિયાન જ માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભ માટે અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેતલપુર રોડ પર એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભનું આયોજન મેયર, ધારાસભ્યોની હાજરીમાં આજે દાંડિયાબજાર-અકોટા રોડ પર સાંજે ચાર વાગે કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન શહેરને મધ્યમાંથી પશ્ચિમ તરફને જોડતા મહત્વના રોડ પર ભારે ટ્રાફિક હોય છે. અને તેવા સમયે જ દાંડિયાબજારથી અકોટા સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. અચાનક રોડ બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતાં.
અકોટા પોલીસ લાઇનરોડ તેમજ જેતલપુર રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જેતલપુર બ્રિજ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં. માર્ગ સલામતીમાં નેતાઓને ખુશ રાખવાના કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને બાનમાં લેવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જે રોડ પરથી પસાર થવા માટે માત્ર પાંચ મિનિટ જેટલો સમય લાગે તે માર્ગ ક્રોસ કરવા માટે અડધોથી એક કલાક જેટલો સમય વાહનચાલકોને થતો હતો.
પીકઅવર્સ દરમિયાન જ કાર્યક્રમ રાખવાના બદલે અન્ય સમયે કાર્યક્રમ રાખવો જોઇએ તેવી બૂમો વાહનચાલકોમાં ઉઠી હતી. જેતલપુરરોડ તેમજ અકોટા રોડ પર ટ્રાફિકજામના પગલે એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી. અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઇ જતા પરત જવા માટે વળાંક લેતી વખતે પણ ફરી ટ્રાફિકજામમાં ફસાઇ ગયા હતાં.


