રક્ષાબંધન પર્વે બહારગામ જવા વડોદરા એસટી ડેપો પર મુસાફરનો ભારે ઘસારો
Vadodara GSTRC : રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી વિભાગ દ્વારા પંચમહાલ ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફના અલગ-અલગ રૂટો પર વધારાની 50 બસો દોડાવવામાં આવી રહી છે.
રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા એસટી ડેપો ખાતેથી મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વધારાની 50 બસો મૂકવામાં આવી છે. આ વધારાની બસો મુખ્યત્વે પંચમહાલના દાહોદ, ઝાલોદ ,ગોધરા તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ ,ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિતના વિભાગોમાં દોડશે. તા. 7 થી 10 ઓગસ્ટ સુધી દોડનારી આ 50 બસો માટે 50 ડ્રાઇવર અને 50 કંડકટર મુકાયા છે. અને સુપરવિઝન માટે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, ડેપો મેનેજર સહિત 10 અધિકારીઓનું સુપરવિઝન રહેશે. આ ઉપરાંત કોઈ રૂટ ઉપર મુસાફરોનો ઘસારો વધુ જણાય તો ટ્રીપો વધારવામાં પણ આવશે. મહત્વનું છે કે, વીતેલા વર્ષે પણ વધુ ટ્રિપો દોડાવવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો. આ વખતે 50 હજારથી વધુ મુસાફરો લાભ લે તેવું આયોજન છે. હાલ મુસાફરોની વધતી સંખ્યા ના કારણે એડવાન્સ બુકિંગ પણ મોટા પાયે થઈ રહ્યું છે. બીજી તરફ રક્ષાબંધન પર્વે બહારગામ જવા માટે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે મુસાફરનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.