વડોદરામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ડેસર તાલુકાના વચ્છેસર ગામે દીવાલ તૂટતા દબાયેલા યુવાનનું મોત ઃ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ
વડોદરા, તા.28 વડોદરામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગઇકાલે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. જિલ્લામાં દીવાલ પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
આજે સવારે ધોધમાર વરસાદના કારણે શહેરના એમજીરોડ, રાવપુરારોડ, દાંડિયાબજારરોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સવારે સતત વરસાદના કારણે શ્રધ્ધાળુઓ તેમજ સવારે નોકરી ધંધા માટે જતા અને વિદ્યાર્થિઓ અટવાઇ ગયા હતાં. વરસાદનું જોર સતત ચાલુ રહ્યું હતું.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં આજે સાંજે છ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જિલ્લામાં સવારે છથી સાંજે છ વાગ્યા સુધી સાવલીમાં ૧૫ મિમી, વાઘોડિયામાં ૨૯, ડભોઇમાં ૧૪, પાદરામાં ૩૮, કરજણમાં ૧૮, શિનોરમાં ૧૬ અને ડેસરમાં ૧૩ મિમી વરસાદ વરસ્યો હતો. આ સાથે શહેર અને જિલ્લામાં સરેરાશ ૪૮૧.૭૫ મિમી એટલે કે સિઝનનો ૫૦ ટકા વરસાદ પડી ગયો છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન વધુ ૦.૪ ડિગ્રી ઘટીને ૨૯ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ અને પશ્ચિમ દિશાના ૧૫ કિ.મી. ગતિએ પવન ફૂંકાયા હતાં. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૭ અને સાંજે ૯૧ ટકા હતું. જ્યારે ડેસર તાલુકાના વચ્છેસર ગામમાં વિજય છીતાભાઇ વસાવા (ઉ.વ.૪૨) લઘુશંકા માટે ઘરની બહાર નીકળીને શંભુ દેવા વસાવાના ખુલ્લા મકાનની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે વરસાદના કારણે મકાનની દીવાલ પડતા તેનું દબાઇ જતા મોત નિપજ્યું હતું.