Gujarat

ભારે વરસાદથી તૈયાર મીઠું પલળી ગયું, પાળામાં રહેલો કાચો માલ ધોવાઇ ગયો

By GS TEAM
21 Jun 20252 mins read
ભારે વરસાદથી તૈયાર મીઠું પલળી ગયું, પાળામાં રહેલો કાચો માલ ધોવાઇ ગયો

- ભાવનગર જિલ્લામાં ખેતી બાદ મીઠા ઉદ્યોગમાં પણ નુકસાન  

- ભારે વરસાદના કારણે મીઠાના અનેક પ્લાન્ટ તેમજ મશીનરી અસરગ્રસ્ત

ભાવનગર : ત્રણ  દિવસ વરસેલા ભારે વરસાદને લઈને ગોહિલવાડમાં ખેતપેદાશોની સાથોસાથ મીઠા ઉદ્યોગ પણ વ્યપાક નુકસાન થયું છે. ભાલ પંથકમાં પાણીના ધસમસતા પ્રવાહના કારણે મીઠા ઉદ્યોગના એકમોમાં પાણી ફરી એક તરફ મીઠાનો તૈયાર માલ પલળી ગયો હતો. તો, બીજી તરફ મીઠાના પાળાઓ ધોવાઈ કાચો માલ તણાઈ જવાની સાથોસાથ  પ્લાન્ટ અને મશીનરીઓને પણ અસર પહોંચી છે. 

દરિયા કિનારે આવેલાં ભાવનગરના ભાલ સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મીઠા પકવતાં અગરો આવેલા છે. સામાન્યતઃ કિસ્સામાં જૂન માસના અંતમાં મીઠાની સીઝન પુર્ણ થતી હોય હાલ મોટા ભાગના અગરિયામાં મીઠાનો જથ્થો એકત્ર કરી અગરિયા માલિકો તેને ઓર્ડર સ્થળે મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાનમાં ગત સોમવારથી ભાવનગર શહેર અને જિલ્લામાં પડેલાં પડેલાં ભારે વરસાદના કારણે શહેરના છેવાડાના નવા બંદર, ઘોઘા, મહુવા તેમજ ભાલ પંથકમાં આવેલાં ૩૫થી વધુ નાના મોટા મીઠાના યુનિટોમાં પડેલાં હજારો ટન મીઠાના પાકને વ્યાપક  નુકસાન થયું છે.ભારે વરસાદ પડતાં તૈયાર મીઠાનો પાક રીતસર ધોવાઈ ગયો છે તો બીજી તરફ ભારે વરસાદ બાદ પાણીના ધસમસતા પ્રવાહના કારણે મીઠાના પાળાઓ પણ ધોવાઈ જતાં અગરિયાના માલિકોને બેવડો માર પડયો છે. આ પણ અધુરૂં હોય તેમ અનેક કયારાઓ અને અગરોમાં હજુ પણ પાણી ભરાયેલાં રહેતાં રહ્યો સહ્યો મીઠાનો કાચો માલ પણ ઓગળી ગયો છે. સાથોસાથ મીઠા ઉદ્યોગની વિવિધ માળખાકીય સુવિધાઓ, સાધન સામગ્રીઓ તેમજ મશીનરીઓ પણ મુકસાન પહોંચ્યું છે.