સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકામાં અષાઢી મેઘમહેર વરસી

ચુડામાં ૬ કલાકમાં ૩.૩૦, વઢવાણમાં ૩.૦૭, ધ્રાંગધ્રામાં ૨.૭૧ ઈંચ વરસાદ
લીંબડી, સાયલા, દસાડા, લખતર, મુળી, ચોટીલા અને થાનમાં ૧.૫ ઈંચથી માંડી અડધા ઈંચ મેઘકૃપા ઃ જિલ્લામાં ફરી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી
સુરેન્દ્રનગર - હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૃવારે વાતાવરણમાં પલટા બાદ બપોરે સાર્વત્રિક વરસાદનું આગમન થયું હતું જેમાં જિલ્લાના પાંચ થી છ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોર બાદ જીલ્લામાં સાર્વત્રિક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત આસપાસના બાળા, લટુડા, મેમકા, ખોલડીયાદ, માળોદ, ઝાંપોદર, બાકરથળી સહિતના અનેક ગામોમાં ગાજવીજ અને વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને વઢવાણ તાલુકામાં બપોરે ૨-૦૦ થી ૪-૦૦ દરમ્યાન ૩૦ મીમી વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ પણ મેઘમહેર યથાવત શરૃ રહી હતી.
આ ઉપરાંત ચુડા તાલુકામાં પણ માત્ર બે કલાકમાં બપોરના ૨-૦૦ થી ૪-૦૦ દરમ્યાન સૌથી વધુ ૫૭ મીમી (૨.૨૪ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે બપોરના ૨-૦૦ થી ૪-૦૦ દરમ્યાન લીંબડી તાલુકામાં ૨૨ મીમી, સાયલા-૧૫ મીમી, ચોટીલા-૧૦ મીમી, લખતર-૮ મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાયના અન્ય તાલુકાઓ ધ્રાંગધ્રા, દસાડા, મુળી અને થાનમાં ઝરમરથી લઈ વરસાદી ઝાપટા પડયા હતા. જીલ્લામાં બે થી ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે ખેડુતોમાં પણ સારા વરસાદને લઈ આનંદની લાગણી જોવા મળી હતી.
બપોરના ૨-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ (મીમી)માં
તાલુકો ૧૨ થી ૨ ૨ થી ૪ ૪ થી ૬ કુલ (૬ વાગ્યા સુધીનો)
ચુડા ૦૭ ૫૭ ૨૦ ૮૪ (૩.૩૦ ઈંચ)
વઢવાણ ૦૦ ૩૦ ૪૩ ૭૮ (૩.૦૭ ઈંચ)
ધ્રાંગધ્રા ૦૭ ૦૦ ૬૨ ૬૯ (૨.૭૧ ઈંચ)
લીંબડી ૦૦ ૨૨ ૧૧ ૩૩ (૧.૨૯ ઈંચ)
સાયલા ૦૪ ૧૫ ૧૦ ૨૯ (૧.૧૪ ઈંચ)
દસાડા ૦૦ ૦૦ ૨૮ ૨૮ (૧.૧૦ ઈંચ)
લખતર ૦૦ ૦૮ ૧૫ ૨૩ (૦.૯૦ ઈંચ)
મુળી ૦૦ ૦૦ ૨૨ ૨૨ (૦.૮૬ ઈંચ)
ચોટીલા ૦૦ ૧૦ ૦૫ ૧૫ (૦.૫૯ ઈંચ)
થાન ૦૦ ૦૦ ૦૭ ૦૭ (૦.૨૭ ઈંચ)









