વાઘોડિયામાં ભારે વરસાદના કારણે નગર જળબંબાકાર : જલારામ નવીનગરીના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં
Vadodara Flood : વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ગઈ રાતથી પડી રહેલા સતત વરસાદ જારી રહેવાના કારણે નગર જળબંબાકાર બની ગયું છે. લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ઘરવખરી અનાજને ભારે નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નગર ખાતે ગઈકાલે દિવસ દરમિયાન સતત હળવા ભારે વરસાદી ઝાપટા સતત જારી રહેતા સમગ્ર નગર જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. નગરમાં આવેલા ગુગલીયા પુરાના જલારામ નવીનગરી વસાહતના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હોવાના કારણે ઘરવખરી સહિત અનાજને ભારે નુકસાન થયું છે. ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં સમગ્ર નગરની આવી જ હાલત થાય છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાતી નથી. ગામમાં આવેલા મંદિરના ત્રણ પગથિયા અને મંદીરનો ઓટલો પણ પાણીમાં ડૂબી ગયા હોવાનું નગરજનોએ જણાવ્યું હતું.