વડોદરા કોર્ટે રેલવેને 26 વર્ષ જૂના કેસમાં વળતર ચૂકવવા આદેશ કર્યો,પુત્રને બચાવવા જતાં માતા-પુત્રી ટ્રેન નીચે કચડાયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Railway Accident Compensation Court Verdict: વર્ષ 1997માં ટ્રેન નીચે કચડાવાથી માતા અને તેના બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજવાના ચકચારી બનાવમાં, અદાલતે આ ઘટના માટે રેલવે વિભાગ તેમજ મૃતક મહિલા બંનેને સરખા જવાબદાર ગણ્યા છે. કોર્ટે રેલવેને મૃતકના પરિવારને 6 ટકા વ્યાજ સાથે રૂા. 1.50 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ વળતર મેળવવા માટે વર્ષ 2000માં કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેનો ચુકાદો દાવો દાખલ કર્યાના 26 વર્ષ બાદ આવ્યો છે.
કેસની વિગત એવી છે કે, 19 મે 1997ના રોજ રાત્રે 8.30 કલાકે વડોદરા-રણોલી રેલવે સેક્શન નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં જસવંતસિંહ ગોહિલનાં પત્ની, 3 વર્ષના પુત્ર અને 2 વર્ષની પુત્રીનું ટ્રેન નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, પુત્રને બચાવવા માટે માતા રેલવે ટ્રેક પર દોડી હતી, જેમાં માતા અને પુત્રી બંનેના પણ મોત થયા હતા.
આ ઘટના બાદ, વર્ષ 2000માં મૃતક બાળકોના પિતા જસવંતસિંહે પશ્ચિમ રેલવે સામે વડોદરાની સિવિલ કોર્ટમાં રૂા. 3 લાખના વળતરની માંગણી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી અને ટ્રેક આસપાસ જરૂરી ફેન્સિંગ, સિગ્નલ કે ફાટક ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે, જેથી તેના માટે રેલવે તંત્ર જ જવાબદાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ટ્રેક આસપાસ ખુલ્લી જમીન હોવાથી સ્થાનિક લોકો તેનો અવરજવરના માર્ગ તરીકે ઉપયોગ કરતા હતા, તેથી રેલવેએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈતી હતી. બીજી તરફ, રેલવે પ્રશાસને બચાવ કર્યો હતો કે આ અનઅધિકૃત પ્રવેશનો મામલો છે અને માતાની પોતાની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાથી રેલવે વળતર ચૂકવવા બંધાયેલ નથી.
ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લઈ રૂા. 1.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. ચુકાદામાં નોંધવામાં આવ્યું કે, 3 વર્ષનું બાળક જોખમ સમજી ન શકે પરંતુ રાત્રિના સમયે રેલવે ટ્રેક પર જવું એ જોખમી હતું. પોતાના પુત્રને બચાવવાનો માતાનો પ્રયાસ સ્વાભાવિક અને કુદરતી પ્રતિક્રિયા હતો, પરંતુ આ સમગ્ર ઘટનામાં રેલવે પ્રશાસન પણ ટ્રેકની આસપાસ પૂરતી સુરક્ષા જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. ન્યાયાધીશે 26 વર્ષ જૂના આ કેસમાં બંને પક્ષની '50 ટકા બેદરકારી'ના સિદ્ધાંતને લાગુ કરીને 6 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો.









