કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નખત્રાણામાં પાણીના પ્રવાહમાં 10-15 ગાય તણાઈ
Rain In Kutch : ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે (4 જુલાઈ) કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે આજે શુક્રવારે કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કચ્છના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે શુક્રવારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં નખત્રાણા, મુન્દ્રા, અબડાસા, રાપર સહિતના અનેક તાલુકા અને ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
નખત્રાણામાં 10-15 ગાય પાણીના પ્રવાહમાં તણાઈ
મળતી માહિતી મુજબ, નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મેકણ સરોવરના ઓગનમાં પાણીના પ્રવાહમાં 10 થી 15 જેટલી ગાય તણાઈ હતી. સીમમાં ગાય ચરાવવા ગયા હતા, ત્યાર ભારે વરસાદમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં તોફાની વાતવરણની વચ્ચે ઉખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો છે. ઉખેડા ગામના ગોગા ડેમ, લોલાડી માં ડેમ અને ગામ તળાવમાં વરસાદના નવા નીર આવ્યા. જ્યારે ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
જ્યારે જિલ્લા મથક ભુજ તેમજ માનકુવા, સુખપર, મીરજાપર, વડજર, માધાપર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તેમજ મુન્દ્રાના દેશલપર કંઠી, ગુંદાલા, ભુજપુર, નાની ખાખર, અબડાસાના અરજણપર, મોથાડા, રાપર તાલુકાના ગ્રામ્ય પંથક સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.