Gujarat

લીંબડીમાં ભારે વરસાદથી જાંબુ-રામરાજપરનો કોઝવે પર પાણી ફરી વળતા 7 ગામ સંપર્ક વિહોણા

By GS TEAM
19 Jun 20252 mins read


ઉપરવાસમાં ભારે વરસાદથી ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફલો થયો

વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ચુડા તાલુકાના ઝીંઝાવદર, છત્તરિયાળા, વેળાવદર, રામદેવગઢ, સહિતના ગામ સાથે સંપર્ક તૂટયો

લીંબડીલીંબડી અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપર વાસમાં ભારે વરસાદના વરસાદી પાણી ફરી વળતાં ૧૨થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં પણ વરાસદી પાણીમાં ધોવાઈ જવાના કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફલો થયા હતા. જેને કારણે નદીમાં પાણી છોડવામાં આવતાં લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતાં જાંબુથી રામ રાજપર વચ્ચેનાં ક્રોઝવે પર ગળાડૂબ પાણી ફરી વળ્યું હતું. જેને લઈને જાંબુ, ભથાણ, પરાલી, રોજાસર, મુળ બાવળા, પરનાળા સહિતના ગામડા ઓમાં હાલ સંપર્ક વિહોણા બનતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જ્યારે ચુડા તાલુકામાં ભારે વરસાદના કારણે વાંસલ ડેમ ઓવરફલો થતાં પાણી છોડવામાં આવતાં ચુડા તાલુકાના ઝીંઝાવદર, છત્તરિયાળા, વેળાવદર, રામદેવગઢ, સહિતના ગામો સંપર્ક વિહોણા બનતા તંત્રમાં દોડતું થયુ હતું. તેમજ ભગુપુર, કારોલ, ખાંડીયા, વનાળા, કંથારિયા સહિતના ગામોમાં ઠેર ઠેર પાણી ફળી વળતાં  વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ ચુડા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની લોકો સાથે મુલાકાત કરીને ચુડા તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત ગામડાઓમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા સુચનાઓ આપી હતી.

 

કોઝવે પર પુલ બને તો આઠ ગામના લોકો સમસ્ય દૂર થાયઃ સરપંચ

લીંબડી તાલુકાના જાંબુ ગામના સરપંચે જણાવ્યું હતું દર વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસે છે ત્યારે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ તથા નાયકા ડેમ ઓવરફલો થતાં જ નળકાંઠા વિસ્તારમાં ગામડાઓમાં પાણી ફરી વાળવાના કારણે જાંબુથી રામ રાજપર જતાં ક્રોઝવે પર ગળા ડુબી પાણી થઈ જવાના કારણે સંપર્ક વિહોણા બને છે. જેથી સાતથી આઠ ગામના હજારો લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. તેમજ કોઈવાર ઈમરજન્સી હોસ્પિટલના કામ અર્થે અથવા કોઈ પ્રસુતાને દુખાવો ઉપડે તો જઈ શકાતું નથી. જેથી તંત્ર વહેલી તકે જાંબુથી રામ રાજપર જતાં કોઝવે પર પુલ બનાવે તો તમામ ગામોના લોકોની હાલાકી દૂર થાય.