Get The App

ગિરનાર અને દાતાર પર ધોધમાર વરસાદ : દામોકુંડ, કાળવામાં પુર

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
ગિરનાર અને દાતાર પર ધોધમાર વરસાદ : દામોકુંડ, કાળવામાં પુર 1 - image


જૂનાગઢ અને માણાવદરમાં અઢી ઈંચ વરસાદ : શહેરના જોષીપરા, ઝાંઝરડા રેલ્વે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ : માણાવદરનો રસાલા ડેમ છલોછલ ભરાયો

જૂનાગઢ, : જૂનાગઢ અને માણાવદરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર સુધી ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જૂનાગઢ અને માણાવદરમાં અઢી ઈંચથી વધુ વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા, ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે દામોકુંડ, સોનરખ અને કાળવામાં પુર આવ્યું હતું. જૂનાગઢના જોષીપરા, ઝાંઝરડા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા.

ચોમાસાની સિઝનની શરૂઆતથી જ સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. આજે માણાવદરમાં અઢી ઈંચ, વંથલીમાં  દોઢ ઈંચ, જૂનાગઢમાં અઢી ઈંચ, ભેસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માળિયાહાટીનામાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. જ્યારે માંગરોળમાં આજે દિવસભર વરસાદ આવ્યો ન હતો. સૌથી વધુ જૂનાગઢ અને માણાવદરમાં વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં પડેલા વરસાદના કારણે શહેરનો મુખ્ય રસાલા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. જ્યારે ગિરનાર પર્વત પર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હક્કિતે તેનાથી વધુ વરસાદ હોવાનું સ્થાનિક લોકો કહે છે. ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદના કારણે સિઝનનું પ્રથમવાર સોનરખ, દામોકુંડ તથા કાળવામાં પુર આવ્યું હતું. કાળવા તથા દામોકુંડમાં પુર આવવાના કારણે શહેરીજનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં નીકળ્યા હતા. આ ઉપરાંત દર વખતની જેમ વધુ એકવાર જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર કાદવ-કિચડના કારણે સ્થાનિક લોકો તથા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જૂનાગઢ શહેરમાં અઢી ઈંચથી વધુ વરસાદના કારણે ઝાંઝરડા તથા જોષીપરાના રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા રસ્તા બંધ થઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાના લીધે વાહનચાલકો તથા સ્થાનિકો મુશ્કેલીનો ભોગ બન્યા હતા. શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર, તળાવ દરવાજા આસપાસ, એમજી રોડ, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

Tags :