અષાઢી બીજે રાજ્યના 151 તાલુકામાં શૂકનવંતો વરસાદ : કલ્યાણપુરમાં 3 ઈંચ
સૂર્યાસ્ત સુધી વરસાદી વિરામથી રથયાત્રાઓ ધામધૂમથી સંપન્ન : સપ્તાહ સુધી મેઘરાજા સક્રિય રહેવા અનુમાન : આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી જારી
રાજકોટ, : આજે અષાઢી બીજના પાવન પર્વના દિવસે સવારે 6થી રાત્રિના 8 ,સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં 14 તાલુકાઓમાં 1થી 3 ઈંચ સહિત કૂલ 151 તાલુકાઓમાં શૂકનવંતો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કાળિયાઠાકોરની ભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર ખાતે 3 ઈંચ અને ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માધવપુર ઘેડમાં આશરે 2 ઈંચ વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
રાજકોટ,અમદાવાદ,ભાવનગર સહિત મોટાભાગના સ્થળોએ ધોધમાર વરસાદનો આજે વિરામ રહેતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ ધામધૂમથી રંગેચંગે સંપન્ન થઈ હતી. હવામાન એકંદરે વાદળછાયુ રહ્યું હતું અને મહત્તમ તાપમાન પણ મોટાભાગના સ્થળોએ 30 સે.ની નીચે રહ્યું હતું. પવનની ઝડપ જારી રહી હતી જેમાં સૌથી વધુ પવન ભૂજ ખાતે 56 કિ.મી.નો નોંધાયેલ છે.
કચ્છના માંડવીમાં સવા 2 ઈંચ અને સૌરાષ્ટ્રના માંગરોળ અને તાલાલામાં 1 ઈંચ ઉપરાંત વાપી, ઉમરગામ, વઘઈ, વ્યારા, વાલોદ, સુબીર,માંગરોળ,સુરત,કપરાડા, ચોરાસી વગેરે તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો.
જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા, ગીરગઢડા, કોડીનાર, જુનાગઢના માણાવદર, મેંદરડા,માળિયા હાટીના, અમરેલીના સાવરકુંડલા સહિત તાલુકામાં અર્ધાથી પોણો ઈંચ તેમજ જુનાગઢ, અમરેલી, સોમનાથ વેરાવળ પાટણ, કુતિયાણા, વંથલી, ધારી, વિસાવદર, કુંકાવાવ, ભાવનગર, લિંબડી, જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, બાબરા સહિત 100થી વધુ તાલુકામાં ઝરમરથી માંડીને ભારે ઝાપટાં વરસ્યા હતા.
મૌસમ વિભાગ અનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. સપ્તાહ પછી વરસાદનું જોર જો નવી સીસ્ટમ સક્રિય ન બને તો ઘટી શકે છે. આવતીકાલે જામનગર, દ્વારકા, કચ્છ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ ,દિવ પંથકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.