Get The App

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 1 - image


Weather News : ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે ગઈકાલે 25 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભારે પવન ફૂંકાતા શહેરમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આમ સિનોપ્ટિક સિચ્યુએશન કારણે રાજ્યમાં વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 6 દિવસ મોટાભાગના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવવાની અને ગાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.

રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે સોમવારે (26 મે) સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 40-60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદને આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સિવાયના તમામ જિલ્લામાં પણ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 27 મેના રોજ રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન અને મેઘગર્જના સાથે વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી, બે જિલ્લામાં ઓરેન્જ, ત્રણમાં યલો એલર્ટ જાહેર

28-29 મેની આગાહી

રાજ્યમાં આગામી 28 મેના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અને 29 મેના રોજ છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

30 મેથી 1 જૂનની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 6 દિવસ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદી માહોલ જોવો મળશે. જેમાં આગામી 30 મેથી 1 જૂન સુધીમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદાર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આ પણ વાંચો: ઉદ્ઘાટનના બે દિવસમાં જ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો, વાવાઝોડા અને વરસાદથી ટેન્ટ સહિતનો સામાન ઊડી ગયો

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિને લઈને રાજ્ય સરકારે એલર્ટ વાળા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે દરિયામાં મજબૂત અને ઊંચા મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


Tags :