વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી
Vadodara : વડોદરામાં છાણી-બાજવા રોડ પર બાજવા રેલવે ગરનાળુ ગઈ રાત્રે પાડેલા વરસાદના કારણે છલોછલ ભરાઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો છે. ગરનાળામાં પાણી ભરાતા એક ટેન્કર નીકળવા જતા ફસાયું હતું. જ્યારે બીજી બાજુ રોડ પર ગરનાળામાંથી પસાર થવા વાહનોની લાઈન લાગી ગઈ હતી. ગરનાળામાંથી પાણી ખાલી કરવા પંપ ચાલુ કરવાનું કામ હાથ પર લેવાયું હતું. દર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઈ જતા માથાના દુખાવા સમાન આ ગરનાળુ બની જાય છે, અને મુશ્કેલી સર્જી દે છે.
ગરનાળામાં પાણી ભરાતા છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા, જીએસએફસી બાજુ વગેરે સ્થળે જવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. જેથી લોકોને ફરીને રણોલી, નંદેસરી બાજુથી જવું પડે છે. છેલ્લા પાંચ વર્ષથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. અહીં બ્રિજ બનાવવાનું આયોજન વિચાર્યું છે. પરંતુ બ્રિજનો ખર્ચ અડધો રેલવે આપે અને અડધો કોર્પોરેશન તે મુદ્દે હજુ નિર્ણય લેવાનો બાકી છે. વધતા વાહન વ્યવહારને જોતા ગરનાળુ અહીં ડબલ બનાવવું જરૂરી બની ગયું છે.