માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ

- હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, બપોર બાદ અચાનક વાદળો વરસ્યા
- ચૈત્રમાં વરસાદી માહોલથી ઉનાળુ પાકને નુકસાનીની દહેશત, સિહોરમાં પણ માવઠું વરસ્યું
ભાવનગરમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. ત્યારબાદ સાંજે પાંચ કલાક પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરના ઘણાં વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધોધમાર ૧૭ મિ.મી. કમોસમી વરસાદ વરસી જતાં ભરઉનાળામાં જાણે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોય તેમ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ઘોઘામાં પણ પોણો ઈંચ જેટલો ૧૬ મિ.મી. કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે સિહોરમાં ૦૩ મિ.મી. માવઠું વરસ્યું હોવાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ચૈત્રમાં વરસાદી માહોલથી ખેડૂતોના લલાટે ઉનાળુ પાકને નુકસાની જવાની ચિંતાની લકીર તણાઈ હતી. વધુમાં બપોરે ગરમીનું જોર વધતા મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૩૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું.








