Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ, 26 સ્ટેટ હાઇવે સહિત 1201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાએ આક્રમક રૂપ ધારણ કરતાં દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત સર્જાઈ છે. વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 35.67 ઇંચ અને નવસારીના ચીખલી-ખેરગામમાં 16-16 ઇંચ વરસાદ ખાબક્યો છે. 9,929 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 3,745ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. 1201 રસ્તા બંધ થયા અને 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF-SDRFની ટીમો તૈનાત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ, 26 સ્ટેટ હાઇવે સહિત 1201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા એટલે કે 12 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને ખેરગામમાં 16-16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 35.92 ટકા થયો છે. જેમાં એકલા દક્ષિણ ગુજરાત ઝોનમાં જ સિઝનનો 62.07 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારી અને વલસાડ પર આકાશી આફત છવાઈ છે. વલસાડના ઉમરગામમાં આભ ફાટતા 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કાપરાડામાં 28 ઇંચ, નાનાપોંઢામાં 25 ઇંચ, ધરમપુરમાં 19 ઇંચ અને પારડીમાં 17 ઇંચ વરસાદથી સમગ્ર જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આજે(23 જુલાઈ) સવારથી પણ વરસતા વરસાદથી નવસારીના ખેરગામમાં 16 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 15 ઇંચથી વરસાદ ખાબક્યો છે.

3700થી વધુ લોકોનું રેસ્ક્યૂ

અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મોટા પાયે સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 9,929 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 3,745 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

1201 રસ્તા બંધ

પૂરના લીધે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળના 26 સ્ટેટ હાઇવે, 56 અન્ય રસ્તાઓ અને 1108 પંચાયત હાઇવે મળી કુલ 1201 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદના કારણે એસ.ટી. બસના શેડ્યૂલ પણ રદ કરવાની ફરજ પડી છે.

1000730233.jpg

15 ડેમ હાઇ ઍલર્ટ પર

ધોધમાર વરસાદ વરસતા રાજ્યના જળાશયોમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 67.94 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 43.14 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં 10 ડેમ 100 ટકા ભરાઈ જતાં સંપૂર્ણ છલકાયા છે, જ્યારે 15 ડેમ માટે 'હાઇ ઍલર્ટ', 4 ડેમ માટે 'ઍલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે.

1000730238.jpg
1000730240.jpg

NDRF-SDRFની ટીમો તૈનાત

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 11 ટીમો, SDRFની 30 પ્લાટૂન અને આર્મીની 2 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.