ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ, 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાંચો લેટેસ્ટ આગાહી

Navratri 2025 Rain Forecast: નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (28મી સપ્ટેમ્બર) ચાર વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 10 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક કલાકોથી આ જિલ્લાઓમાં વરસાદી માહોલ તો જોવા મળી જ રહ્યો છે. એમાંય ડાંગમાં તો નદીઓ ગાંડીતૂર બનતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જ મેઘરાજાએ અમુક જિલ્લામાં નવરાત્રિ બગાડતા ખેલૈયાઓને વરસાદમાં રાસ કરવા મજબૂર કર્યા હતા.
આ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર
હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાહોદ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
ડાંગ-તાપી સહિત ચાર જિલ્લામાં ધોધમાર
ઉલ્લેખનીય છે કે, નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું.