Gujarat

અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે દોઢ ઈંચ સુધી ધોધમાર વરસાદ

By GS TEAM
19 Sep 20252 mins read
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે દોઢ ઈંચ સુધી ધોધમાર વરસાદ

ચોમાસાની વિદાયના દિવસોમાં મેઘમહેરથી આનંદ : ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી માર્ગો-ખેતરો જળબંબોળ બન્યા : નદી-વોંકળામાં પાણી વહી નીકળ્યા

અમરેલી, : અમરેલી જિલ્લામાં ચોમાસાની વિદાયના દિવસોમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. જાફરાબાદ, રાજુલા, ખાંભા, અને લાઠી અને બાબરા સહિતના વિસ્તારોમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે અને ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે 

સૌથી વધુ બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જયારે જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં 1  ઈંચ જેટલો સારો વરસાદ પડયો હતો. ટીંબી, લોર, ફાચરીયા, અને માણસા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ, જે પછીથી ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો.  લોર ગામની તરીયો નદીમાં ઘોડાપૂર આવતા ચેકડેમ છલકાઈ ગયો હતો. આ કારણે ફાચરીયા જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. 

રાજુલા અને ખાંભા પંથકમાં પણ બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો. રાજુલાના કાતર સહિત  આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. આ ઉપરાંત, ડુંગર, જુની માંડરડી, ઝાપોદર, ધારેશ્વર, અને છતડીયા જેવા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.  રાજુલા શહેરમાં પણ વરસાદી પાણી રસ્તાઓ પર વહેતા થયા હતા.  ખાંભાના નીગાળા, ભૂંડણી અને ત્રાકુડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. નીગાળા ગામમાં પડેલા ધોધમાર વરસાદથી ભગડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ વરસાદને કારણે ગરમીમાં રાહત મળી હતી. 

લાઠી પંથકમાં પણ અડધો ઈચ વરસાદ નોંધાયો હતો. લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રામપર અને તાજપરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. જોકે, લાઠી, શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.  મોડી સાંજે અમરેલીના ગ્રામીણ દેવળીયા, રાજસ્થળી, લાપાળીયા, અને મોટા ગોખરવાળા સહિતના વિસ્તારોમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો.