બાબરામાં ધોધમાર 2 ઈંચ વરસાદ, લોધિકા અને રાજકોટમાં 1 ઈંચ
બપોર સુધી બફારો અને સાંજે વરસાદનો સિલસિલો : રાજુલા, સાવરકુંડલા,લાઠી પંથકમાં પણ મેઘમહેર, નદીમાં પૂર આવ્યાઃ નૈઋત્યનું ચોમાસુ અટકી ગયું પણ સી.બી.ક્લાઉડથી અચાનક વરસાદ
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં બપોર સુધી ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ કરતા બફારાનો અનુભવ અને સાંજે છૂટાછવાયા સ્થળે અચાનક હળવાથી ભારે વરસાદનો સિલસિલો ભીમ અગિયારસથી શરૂ થયો છે. આજે અમરેલી જિલ્લાના બાબરામાં મોડી સાંજે ધોધમાર બે ઈંચથી વધુ વરસાદ વરસી જતા કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. જ્યારે રાજકોટમાં અર્ધાથી પોણો ઈંચ અને લોધિકામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં મેઘવર્ષા આજે પણ જારી રહી હતી. બાબરામાં જ્યાં ખેડૂતોએ આગોતરૂં કપાસનું વાવેતર કરેલું હતું ત્યાં આજે ધોધમાર વરસાદથી સારૂ પિયત મળી ગયું છે. જ્યારે ખાંભા, સાવરકુડલા, રાજુલા, લાઠી પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો હતો. નાના વિસાવદર અને ભાડ ગામની શેરીમાં પાણી વહેતા થયા હતા અને સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. ખાંભા પંથકમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી છે.
રાજકોટ શહેરમાં આજે 41.1 સે.તાપમાને બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો પરંતુ, સાંજે હવામાન પલટાયું અને ભેજનું પ્રમાણ બપોરે 44 ટકા હતું તે સાંજે 100 ટકા થઈ ગયું હતું અને એક ઈંચ જેટલો વરસાદ વરસી જતા હવામાનમાં ઠંડક પ્રસરી હતી અને માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. રાજકોટ નજીક લોધિકામાં પણ આજે સાંજે ધોધમાર એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામનગરના કાલાવડ તાલુકામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે.
એકંદરે સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસુ તો ગત તા.૨૬થી મુંબઈ અટકી ગયું છે અને આજ સુધી ચોમાસુ આગળ વધીને ગુજરાતમાં પ્રવેશે તેવા કોઈ પરિબળો જણાતા નથી પરંતુ, અસહ્ય તાપ બાદ અચાનક વરસી જતા સી.બી.ક્લાઉડના વરસાદથી કૃષિક્ષેત્રે રાહત વર્તાઈ છે.