Get The App

વિરમગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા 1 - image


વરસાદી પાણીના નિકાસની તાકિદે વ્યવસ્થા કરવા માંગ

રસ્તા પર પાણી ભરાઇ રહેતા લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું, વાહન ચાલકોને પણ હાલાકી

વિરમગામ -  વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજના વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. શહેરમાં પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા હતા. નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો બાફ અને ઉકળાટથી ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. વિરમગામ શહેર અને ગ્રામજનો ચાતક નજરે વરસાદની રાહ જોઈ બેઠા હતા. ત્યારે સોમવારે સાંજના આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘસી આવ્યા હતા અને વીજળીના કડાક અને ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરાવી દીધી હતી. 

વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શહેરના પરકોટા, નાના પરકોટા, ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજા અને માંડલ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે.

વાહન ચાલકોને રસ્તા પર પસાર થવામાં અઢળક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વિરમગામ નગરપાલિકા દ્વારા ચોમસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થયા છે. 

લોકો તંત્રના વિરોધમાં ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે. સ્થિતિ સંભાળવા તંત્રએ હવે પગલાં ભરીને પાણીની નિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે તાત્કાલિક કામગીરી શરૃ કરવી જરૃરી બની છે.


Tags :