VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Heavy Rain Amreli : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (28 સપ્ટેમ્બર) અમરેલીના ધારી ગીર પંથક, રાજુલા પંથક, સાવરકુંડલા, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થતાં અમરેલીમાં પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. નવરાત્રિમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો.
અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલી શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી અમરેલી શહેરમાં રોડ રસ્તાઓ પર નદીઓ માફક પાણી વહેતા થયા. જેમાં અમરેલીના રાજકમલ ચોક ફોરવર્ડ સર્કલ અને ભીંડભજન મંદીર પાસે પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. સમગ્ર મામલે અમરેલી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.
અમરેલીના લાઠી, સાવરકુંડલા, બગસરા, વડીયા, રાજુલામાં વરસાદ ખાબક્યો છે. વડીયામાં ભારે ગાજવીજ સાથે વરસાદને થતાં લાઇટ ગુલ થતાં શહેરમાં અંધારપટ જોવા છવાયો હતો. જ્યારે બગસરા શહેર સાથે સાપર, સુડાવડ, લુધીયા, મુંજયાસર ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેર સહિત ડુંગર, ખેરાળી, કુંભારીયા, છતડીયા, હિંડોરણા, નવી-જુની માંડરડી, ઝાપોદર સહિત આસપાસના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
બગસરામાં વૃક્ષ ધરાશાયી
બગસરાના માણેકવાડા નજીક વૃક્ષ ધરાશાયી થતાં બગસરાથી મુંજયાસર નજીક માણેકવાડા રોડ પર વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બગસરાથી જૂનાગઢ જવાનો માર્ગ હાલ પૂરતો બંધ કરાયો હોવાનું સામે આવ્યું છે.
ધારી ગીર પંથકમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ થયો છે. જેમાં ધારી શહેર સાથે ચલાળા, આંબરડી, છતડીયા, મોરજર, જીરા, જર, ખીસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેમાં ચલાળા સહિત આસપાસના ગામડાઓમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો.