ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35 થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા
- લખતર તાલુકામાં એક જ દિવસમાં 3.5 ઈંચ વરસાદ
- કેડ સમા પાણી ભરાતા રહીશોને અવર-જવરમાં હાલાકી : વરસાદી પાણીના નિકાલ માટે હાઈવે નજીક નાળુ બનાવવાની માંગ
સુરેન્દ્રનગર : રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. લખતર શહેરમાં શુક્રવારે (૫મી જુલાઇ)ના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે ૩.૫ ઈંચ કરતા વધુ વરસાદ તૂટી પડયો હતો. જેના પગલે લોકોને હાલાકી સહન કરવાનો વારો આવી રહ્યો છે અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ભરાઈ રહેતા મુશ્કેલી પડી રહી છે.
લખતર તાલુકામાં શુક્રવારે એક જ દિવસમાં ૩.૫ ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા લખતર શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પ્રિમોન્સૂનની કામગીરીના અભાવના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી હતી. તાલુકાના ઓળક ગામનો રામદેવનગર વિસ્તાર જાણે બેટમા ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રામદેવનગરમા આશરે ૩૫થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી જતા રામદેવનગરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જતા પશુપાલન સાથે સંકળાયેલ લોકોને પોતાના પશુનું દૂધ ભરવા ગામની ડેરીએ જઇ શક્યા નહોતા. વિસ્તારમા વરસાદી પાણી ફરી વળતા બાળકો પણ સ્કૂલે જઇ શક્યા નહોતા તથા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. રહીશોને ખેતીવાડી કે અન્ય કોઈ કામ અર્થે રોડ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ હાઇવે પાસેની ગટરના પાણીના નિકાલ માટે નાળુ મુકેલ નહીં હોવાથી ગટરના વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા આ સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે હાઇવે પાસે નાળુ મુકી રામદેવનગરમાં આવતા વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાનો અંત આવે તેવી લોકોની માગ ઉઠવા પામી છે.