અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
Ahmedabad News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં આજે બુધવારે (3 સપ્ટેમ્બર) અમદાવાદના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે બુધવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે, ઘાટલોડિયા, ચાંદખેડા, ગોતા, ન્યુ રાણીપ, ઝુંડાલ વસ્ત્રાપુર, નારણપુરા, સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદમાં આજે (3 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવતાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડી રહ્યો છે.
આવતીકાલે નર્મદા-તાપીમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર(4 સપ્ટેમ્બર)થી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે કાલે નર્મદા અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરુચ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.