Get The App

અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 1 - image


Heavy Rain In Amreli: અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. 

પીપાવાવમાં પાણીના પ્રવાહમાં ફસાયા 22 લોકોનું કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન

અમરેલી જિલ્લાના પીપાવાવ ધામ નજીક, ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી આશરે 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સતત વરસાદ ચાલુ હોવા છતાં, અધિકારીઓને આશા છે કે થોડી જ વારમાં મોટાભાગના મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે.

રાજુલાના ખાખબાઈ નજીક ધાતરવાડી નદીમાં 5 લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ડેમનું પાણી નદીમાં આવી જતાં અચાનક જ નદીનો પ્રવાહ વધી ગયો હતો. રાજુલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દોરડા બાંધી લોકોને બહાર કાઢ્યા.  

રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ

અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસતા ધાતરવાડી ડેમ-2માં 20,000 ક્યુસેક પાણીની ભારે આવક થઈ છે. આને કારણે ધાતરવાડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડેમ ઓવરફ્લો થતા, ડેમના તમામ 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતા પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ભારે વરસાદ, તલગાજરડા બેટમાં ફેરવાયું, 40 લોકોનું રેસ્ક્યૂ

અમરેલીના રાજુલામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને લઈને પોલીસ અને PGVCL ટીમ સક્રિય થઈ છે. જ્યારે આગરિયા જકાતનાકા પાસે પણ ચારેયકોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. રાજુલામાં ભારે વરસાદ અને ધાતરવડી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ધાતરવડી ડેમના પાણીમાં ત્રણ ભેંસો ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે. 

અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 2 - image

અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નાના માશીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસટી બસ પર પડ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. દેવરાજીયા-માણીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 3 - image

એસ.ટી. બસ પાણીમાં ફસાઈ

અમરેલી જિલ્લાના લીલીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે લીલીયાના ભોરીગડા ગામે એસ.ટી બસ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન અપાયું હતું. આ ડાયવર્ઝનમાં પાણી ભરાતાં બસ ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. 

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. ધીમી ધારે પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે, પરંતુ ખેડૂતો હજુ પણ વાવણી લાયક ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે.


ક્યાં ખાબક્યો વરસાદ 

ધારી શહેર અને ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા, બગસરાના મોટા મુંજયાસર, નાના મુંજયાસર, માનેકવાડા, હળીયાદ, શાપર, સુડાવડ અને ખાંભાના ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા, નાના કણકોટ અને નાના રાજકોટમાં વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા પીપરડી, ફિફાદ અને ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 

અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 4 - image

અમરેલી જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર

ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. નદીના ધસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. સાવરકુંડલા શહેરમાં ત્રણ ઇંચચથી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડની આસપાસ તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે ચેકડેમો પણ છલકાયા છે. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 

અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 5 - image

રાજુલાના વાવેરામાં મૂશળધાર વરસાદ
 
ઘાણો નદીમાં ઘોડાપૂર આવતાં ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ઘાણો નદીમાં પૂર આવતાં હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સાવરકુંડલા નજીક જાબાળ ગામે સૂરજ વડી નદી બે કાંઠે વહેવા લાગી છે. સૂરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. 

રાજ્યના કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ
અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 6 - imageઅમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 7 - imageઅમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 8 - image
અમરેલી અનારાધાર: પીપાવાવમાં 22, રાજુલામાં 5 લોકોનું રેસ્ક્યૂ, જુઓ કયા તાલુકામાં કેટલો વરસાદ 9 - image
Tags :