6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર
Rain In Gujarat: ગુજરાતમાં ઘણાં દિવસોથી હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદ આગાવી વચ્ચે અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, શિવરંજની, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. બીજી તરફ રવિવારે (27મી જુલાઈ) છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
છ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, રવિવારે (27મી જુલાઈ) સવારે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.
28મી જુલાઈની આગાહી
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.