Get The App

ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ: સપ્ટેમ્બરની આ તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી

Updated: Aug 24th, 2024

GS TEAM


Google News
Google News
Rain


Gujarat Rain Forecast: રાજ્યમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે આગામી મહિનાને લઈને અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

પૂર જેવી સ્થિતિ નિર્માણ થવાની શક્યતા

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, 'અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બનતી લો-પ્રેશરની વરસાદી સિસ્ટમોથી રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાવાની સાથે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં જામનગર, બોદાટ, વલસાડ, તાપી, પોરબંદર, કચ્છ સહિતના છૂટાછવાયા સ્થળોએ 2 ઈંચથી 10 ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે.'

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ, આ જિલ્લામાં રેડ એલર્ટ

10 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંત સુધી પછી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે અંબાલાલ પટેલે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, 'એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં 10મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વચ્ચે ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ધ્યાન દોર્યું હતું.'

ગણેશ ચર્તુથીના દિવસે ભારે વરસાદ પડી શકે છે

આ સાથે હવામાન નિષ્ણાતે કહ્યું કે, 'ગણેશ ચર્તુથી દરમિયાન રાજ્યના અમુક સ્થળોએ સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે ભાદરવી પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા રહેશે અને આગામી 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.' 

હવામાન વિભાગની આવતી કાલની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 25 ઑગસ્ટે વડોદરા અને ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ: સપ્ટેમ્બરની આ તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી 2 - image

Tags :