mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, અત્યાર સુધીમાં વિસાવદરમાં 12 અને મેંદરડામાં 7 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 126 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ મોડી રાત સુધીમાં પૂર્વવર્ત કરાશે

Updated: Sep 18th, 2023

આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, અત્યાર સુધીમાં વિસાવદરમાં 12 અને મેંદરડામાં 7 ઈંચ ખાબક્યો 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે ધમરોળવાનું શરૂ કરી દીધું છે. જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે ઉપરાંત મેંદરડામાં પણ સવા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે, જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જોવામાં આવી રહી છે.

ત્રણ દિવસમાં 126 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 126 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ-રાજકોટમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમરેલી,ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,કચ્છ સહિતના વિસ્તારોમાં પણ એક ઈંચ લઈ ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 

617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડાયા

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. 

રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે

રાહત કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય

સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદના કારણે ડેમમાં અંદાજે 18 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી જે હવે ઘટીને 5 લાખ ક્યુસેક થઈ છે, જેના પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વાયુદળના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, વડોદરા, અરવલ્લી, દાહોદ અને જૂનાગઢમાં NDRF- SDRFની કુલ 10 ટીમો તહેનાત છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ તેમજ SDRFની 13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Gujarat