ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઇંચ વરસાદ
Gujarat IMD Rain Forecast : રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 5 ઇંચ ખાબક્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
કચ્છમાં મેઘતાંડવ
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લખપત બાદ રાપરમાં 4.45 ઇંચ, ગાંધીધામમાં 3.43 ઇંચ, ભચાઉમાં 3.15 ઇંચ, નખત્રાણામાં 2.99 ઇંચ, ભુજમાં 2.64 ઇંચ, અંજારમાં 2.36 ઇંચ, અબડાસામાં 1.5 ઇંચ, માંડવીમાં 1.1 ઇંચ અને મુંદ્રામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને કચ્છના 7 જેટલા રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં મેઘમહેર યથાવત
બનાસકાંઠાના ભાભરમાં 4.09 ઇંચ, દિયોદરમાં 1.97 ઇંચ, થરાદમાં 1.34 ઇંચ અને વાવમાં 1.26 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે.
2 વાગ્યા સુધીના વરસાદના આંકડા
બનાસકાંઠા અને પાટણમાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગે (IMD) રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર ઍલર્ટ મોડ પર
વરસાદી માહોલને પગલે વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે. કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે નાગરિકોને ડેમ, નદી, નાળા અને જળાશયો જેવા જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી છે. ભુજમાં ધીમી ધારે વરસાદ વચ્ચે જળાશયો અને નાળાના વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંજાર અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોને જોડતાં માર્ગો પર પણ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક લોકોની મદદ માટે ખડે પગે છે.
બનાસકાંઠાના સુઇગામમાં કેટલો વરસાદ નોંધાયો?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં આભ ફાટી પડતાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. બીજી બાજુ બનાસકાંઠાના જ ભાભરમાં 12.91 અને થરાદમાં 12.48, તથા વાવ વિસ્તારમાં 12.56 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં 12.48 ઇંચ ખાબક્યો
જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઇંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.