Gujarat

ગુજરાતમાં અનરાધાર અષાઢ: મેઘરાજાની પ્રથમ ઈનિંગમાં જ જળાશયોની સપાટીમાં વધારો

By GS TEAM
27 Jun 20253 mins read
TukuTouch Logo
આ વર્ષે ચોમાસુ ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં ધમાકેદાર પ્રારંભ કરતા ચારેય તરફ પાણી - પાણી જેવી સ્થિતિ સર્જાય છે. વિવિધ જળાશયોમાં નવા નીરની આવકથી સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યની કેટલીક નદી અને ડેમ છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં અનરાધાર અષાઢ: મેઘરાજાની પ્રથમ ઈનિંગમાં જ જળાશયોની સપાટીમાં વધારો

આ વર્ષે ચોમાસુ ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.  ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં ધમાકેદાર પ્રારંભ કરતા ચારેય તરફ પાણી - પાણી જેવી સ્થિતિ સર્જાય છે. વિવિધ જળાશયોમાં નવા નીરની આવકથી સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યની કેટલીક નદી અને ડેમ છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા ,સાબરકાંઠા ,રાજકોટ ,બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર, અમરેલી, સોમનાથ ,સુરત ,નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની પણ આગાહી છે.

જૂનાગઢ , ગીર સોમનાથ અને સાબરકાંઠામાં મેઘરાજાએ ધબડાટી બોલાવી 

વીતેલા 24 કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા જૂનાગઢમાં 6 ઇંચ ,ગીર સોમનાથમાં 5 ઈંચ તથા સાબરકાંઠામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી 3 ઇંચ, વલસાડ 2 ઇંચ, અમરેલી 3 ઇંચ, દેવભૂમિ દ્વારકા 3 ઇંચ, પોરબંદર 3 ઇંચ, જામનગર , છોટાઉદેપુર , પાટણ, અરવલ્લી તથા મોરબી અઢી ઇંચ, બનાસકાંઠા અને મહેસાણા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.


રાજ્યમાં 19 ડેમો છલકાતા હાઈએલર્ટ હેઠળ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલ ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 90 ટકાથી વધુ પાણીના જથ્થાનું સ્ટોરેજ હોય તેવા 19 ડેમોને હાઈએલર્ટ હેઠળ મુકાયા છે. જેમાં મહીસાગરમાં વણાંકબોરી, તાપીમાં ડોસવાડા , અમરેલીમાં ધાતરવાડી  અને સૂરજવાડી, જામનગરમાં વાગાળીયા , સુરેન્દ્રનગરમાં વંશલ , સબૂરી અને લીમ ભોગાવો એક,  કચ્છમાં કાલાઘોઘા, બોટાદમાં ગોમા અને ભીમદાદ, ભાવનગરમાં  શેત્રુંજી, રોજકી , બાગાડ અને રંગઘોલા , દાહોદમાં ઉમરીયા અને કાલી બે, રાજકોટમાં ધારી, મોરબીમાં બ્રહ્માણી ડેમનો સમાવેશ થાય છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાનો શરૂ

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 28,578 ક્યુસેક થઈ રહી છે. અને ડેમની સપાટી 118.8 મીટર નોંધાઈ છે. જ્યારે રીવર બેડ પાવર હાઉસથી  34,750 ક્યુસેક તથા કેનાલ હેડ પાવર હાઉસથી  4550 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 4643.76 એમસીએમ પાણીના જથ્થાનું સ્ટોરેજ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.


વડોદરામાં વિશ્વામિત્રી નદી 12.10 ફૂટ અને આજવા સરોવર 210.11 ફૂટની સપાટીએ 

વીતેલા વર્ષે વડોદરા શહેરમાં ત્રણ- ત્રણ વખત પુરથી ભારે તારાજી સર્જાઇ હતી. આ વર્ષે પૂરથી બચવા તંત્રએ વિશ્વામિત્રી નદીને પહોળી તથા ઊંડી કરી છે. તથા કેટલાક તળાવ પણ ઊંડા કરી સંગ્રહ ક્ષમતા વધારવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હાલ વિશ્વામિત્રી નદી 12.10 ફૂટ તથા આજવા સરોવર 210.11 ફૂટની સપાટી નોંધાઇ છે. મહત્વનું છે કે, વિશ્વામિત્રી નદીની મહત્તમ સપાટી 26 ફૂટ તથા આજવા સરોવરની મહતમ સપાટી 214 ફૂટ છે.


વડોદરા જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 9 ઇંચ વરસાદ નોંધાયો

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડભોઇ તાલુકામાં સૌથી વધુ 17 ઈચ તથા સૌથી ઓછો ડેસર તાલુકામાં માત્ર 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાવલી 6 ઇંચ, વાઘોડિયા 5 ઇંચ, પાદરા 9 ઇંચ, કરજણ 12 ઇંચ અને સિનોર 9 ઇંચ વરસાદ નોંધાયો છે.