જિલ્લામાં વરસાદી માહોલથી ખેતરોમાં ઉભા અને લણેલા પાકને ભારે નુકસાન

કારતકમાં અષાઢી માહોલ જામતાં ખેડૂતોની ખરીફ પાકની મોસમ
બગાડી નાંખી
ડાંગર, મગફળી, કપાસ અને દિવેલા સહિતના પાક લેવા પરસેવો પાડનારા જગતના તાતને માવઠાંના પગલે પસ્તાવાની વેળા આવી ઃ માવઠાંના મારથી હાલત કફોડી બની
ગાંધીનગર જિલ્લામાં ખરીફ મોસમ દરમિયાન કુલ વાવેતર ૧,૨૧,૨૮૨ હેક્ટર
વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પરંતુ પાછોતરા વરસાદી માહોલના
કારણે ખેડૂતોએ કરેલી કાળી મજુરી અને રોકેલા નાણા ઉપર પાણી ફરી વળવા જેવી સ્થિતિનું
સર્જન થયું છે.
જિલ્લામાં ડાંગરનું વાવેતર ૧૨,૧૭૭ હેક્ટરમાં, મગફળીનું ૧૫,૦૭૬ હેક્ટરમાં, દિવેલાનું ૨૧,૦૧૬ હેક્ટરમાં
અને કપાસનું ૧૭,૪૨૨
હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પૈકી મોટાભાગનો પાક લણી
લેવાયા પછી ખેતરમાં રાખી મુકેલો અથવા ઉભા પાકની સ્થિતિમાં રહેલો હોવાથી કમોસમી
વરસાદે વ્યાપક નુકશાની કરી હોવાનું ખેડૂત આગેવાનો જણાવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર સહિત
રાજ્યના કેટલાક જિલ્લામાં તો કમોસમી વરસાદે ખેતરોમાં ઉભા પાકનું ભેલાણ કર્ય જેવી
સ્થિતિ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકથી મેઘાડંબર વચ્ચે દહેગામ
તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે ગાંધીનગર,
કલોલ અને માણસા તાલુકામાં પણ વરસાદી ઝાપટાનો માહોલ રહ્યો હોવાથી જગતના તાત
માટે મ્હોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઇ જવા જેવી સ્થિતિનું સર્જન થયું છે.
કમોસમી વરસાદની આગાહીને લઇ પાક સંરક્ષણ માટે પગલા જાહેર
કરાયાં
આગામી ૧લી નવેમ્બર સુધી વરસાદની આગાહી છે, ત્યારે પાકના
સંરક્ષણ માટે પગલા સુચવાયા છ. તેમાં ખેતરમાં કાપણી કરેલા કે ખુલ્લા પડેલા પાકને
તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અને તેવું શક્ય ન હોય તો પાકને પ્લાસ્ટિક અથવા
તાડપત્રીથી ઢાંકી દેવો જણાવાયું છે. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું
પાણી ઢગલાની નીચે જતું અટકાવવા અને આ સમયગાળામાં જંતુનાશક તથા ખાતરનો ઉપયોગ ટાળવા, ખાતર અને
બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા ઉપરાંત એપીએમસીમાં વેચાણ અર્થે
પાક પેદાશો લાવવાનું ટાળવા જણાવાયું છે.

