ભરૂચમાં હાંસોટ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર,પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત
અકસ્માતમાં મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ, જ્યારે એક બાળકનો બચાવ
અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે અકસ્માતની ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટિયા પાસે ઉભેલા દાદા અને પૌત્રને કાર ચાલકે અડફેટે લેતા બન્નેના મૃત્યુ નિપજ્યાં છે. તો અન્ય બે અકસ્માતની ઘટના સુરત જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. જેમાં ત્રણથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે ભરૂચના હાંસોટ પાસે બે કાર વચ્ચે ટક્કર વાગવાથી પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.
કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં કારની ટક્કરથી દાદા અને પૌત્રનું મોત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટીયા દાદા અને પૌત્રનાને ગાડીએ અડફેટે લેતા બંન્નેના મૃત્યુ થયા છે. રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે.