Get The App

પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ 1 - image

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન

વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે રોડ પર વેપાર કરતા લારી ધારકો સાથે મનપાના કર્મીઓ દ્વારા ગેરવર્તણૂકનો આક્ષેપ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને શાકભાજીના લારીધારકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા ચકચાર મચી ગઈ છે. લારીધારકોનો આક્ષેપ છે કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારીઓએ દાદાગીરી કરી હતી. કર્મચારીઓએ લારીધારકોના કપડાં પકડી તેમને ખેંચ્યા હતા અને બળજબરીથી લારીઓ આંચકી લીધી હતી. 

આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩૦ વર્ષથી શહેરમાં નવી શાક માર્કેટનું નિર્માણ થયું નથી, જેના કારણે ગરીબ શ્રમિકોને રોડ પર બેસી વેપાર કરવાની ફરજ પડી રહી છે. સુરેન્દ્રનગર મહાનગર બન્યું હોવા છતાં પણ લારીધારોની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

એક તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા લારીધારકો માટે કોઈ ચોક્કસ હોકિંગ ઝોન કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. લારીધારકોનું કહેવું છે કે નવા ધંધા-રોજગારના અભાવે તેઓ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તંત્રની આ પ્રકારની વર્તણૂકથી તેમની આજીવિકા જોખમાઈ છે. રોષે ભરાયેલા વેપારીઓએ માંગ કરી છે કે કમિશનર આ મામલે મધ્યસ્થી કરે, નવી શાક માર્કેટની વ્યવસ્થા કરવામાં આવે અને ગેરવર્તણૂક કરનારા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની પણ શક્યતા છે.