ચેક રિટર્નના કેસમાં સજા કાપતા હાર્ટ પેશન્ટ કેદીનું મોત
હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી રાતે ઊંઘી ગયા પછી ઉઠયો જ નહીં
વડોદરા,સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન અને હત્યાના કેસમાં સજા કાપતા બે બીમાર કેદીઓના અવસાન થયા છે. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતા કેદી મથુરભાઇ ભીખાભાઇ ઠાકોર, ઉં.વ.૩૬ (મૂળ રહે. ગામ રૃપિયાપુરા, ભોઇ ફળિયું, તા.પેટલાદ, જિ.આણંદ) આજે સવારે ઊંઘમાંથી નહીં ઉઠતા જેલ ડયૂટિના ડોક્ટરને જાણ કરતા તેઓએ આવીને ચેક કરતા કેદીનું મોત થયું હતું. મથુર ઠાકોરને ચેક રિટર્નના કેસમાં સજા થઇ હતી. તેની સામે કુલ ૧૨કેસ થયા હતા. જેમાં બે વર્ષની મહત્તમ કેદ થઇ હતી. તેને નડિયાદ જેલમાંથી અત્રે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેને હાર્ટની બીમારી હતી.
જ્યારે સજા ભોગવતા અન્ય એક કેદી રમણભાઇ ચીમનભાઇ વસાવા, ઉં.વ.૬૦ ( મૂળ રહે. ગામ દરીયા ટેકરા, તા. ઝઘડિયા, જિ.ભરૃચ) પણ આજે સવારે ઊંઘમાંથી ઉઠયા નહતા. તેઓનું પણ રાતે જ ઊંઘમાં મોત થયું હતું. રમણભાઇ વસાવાને હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેને બી.પી.ની બીમારી હતી.