ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશની જામીન અરજી માટેની સુનાવણી પૂર્ણ, કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો
પ્રજ્ઞેશ પટેલના વકીલે સારવારના દસ્તાવેજ અને કેન્સરના ભાગનો સ્કેચ કોર્ટમાં રજૂ કર્યો
સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી
અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં. આ માટે કોર્ટમાં સારવારના દસ્તાવેજ અને કેન્સરના ભાગનો સ્કેચ રજૂ કર્યો હતો. હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવશે.
4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી
પ્રજ્ઞેશ પટેલના વકિલે કોર્ટમાં દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે અને અગાઉના કેસોમાં પણ હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટે સારવાર માટે રાહત આપી છે. પ્રજ્ઞેશ પટેલની આગામી 23 ઓગસ્ટે એપોઈન્મેન્ટ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો જ રજૂ કરાઈ છે. સારવાર લીધી કે નહીં તે સ્પષ્ટ થતું નથી. સારવાર અહીં પણ ઉપલબ્ધ છે. ઘટના બાદથી રેગ્યુલર જામીન અરજી સુધી કેન્સરનો કોઈ ઉલ્લેખ નથી.પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યનું કહેવું છે કે, તેને મોઢાનું કેન્સર છે. તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે.
24 ઓગસ્ટે બન્ને આરોપીને કોર્ટમાં હાજર કરાશે
આ કેસમાં ગત સુનાવણીમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 24 ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કાર્યવાહી શરૂ થશે. જ્યારે બંને આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રખાશે.ગત સુનાવણીમાં કેસ સેશન્સ કમિટ થયો હતો. જજે તથ્ય અને પ્રજ્ઞેશને કોઈ ફરિયાદ કે રજૂઆત છે એમ પૂછતાં જવાબ નામાં આપ્યો હતો. પિતા-પુત્ર સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. સેશન્સ કમિટ થતાં તથ્યના વકીલે પ્રોક્સી ભરી હતી.