જામનગરમાં શ્રાવણી લોક મેળા સામે મનાઈ હુકમના દાવાની સુનાવણી સોમવારે રાખવા માટે નિર્દેશ કરાયો
જામનગરમાં પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળા યોજવાને કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાવાના મુદ્દે જામનગરના એક નાગરિકે વહિવટી તંત્ર, મ્યુ. તંત્ર સામે કરેલા દાવાની સુનાવણી આગામી તા.7ના રોજ મુક્કરર થવા સામે સુનાવણી વહેલી થાય તો દાવાનો હેતુ જળવાઇ રહે તે મુદે નાગરિક દ્વારા સેસન્સ અદાલતમાં રિવીઝન અરજી કરવામાં આવી હતી. જેમાં સેસન્સ અદાલતે અરજી ગ્રાહ્ય રાખીને તા.4 ઓગસ્ટને સોમવારના રોજ સુનાવણી યોજવા નિર્દેશ કર્યો છે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ જામનગરમાં આગામી તા.10થી 24 ઓગસ્ટના 15 દિવસ સુધી પ્રદર્શન મેદાનમાં લોક મેળાની કરેલી જાહેરાત બાદ પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી.ડેપો હોવા ઉપરાંત મેળાના કારણે ટ્રાફીકના પ્રશ્નો મામલે જામનગરના એક નાગરિક કલ્પેશભાઈ આશાણીએ સીવીલ કોર્ટમાં તા.23મી જુલાઈના રોજ તંત્ર સામે સીવીલ દાવો દાખલ કર્યો હતો. જેમાં સુનાવણી તા.7ના રોજ મુક્કરર થઈ હતી.
જે સામે નાગરિકે સેસન્સ કોર્ટમાં એવા મતલબની અપીલ કરી હતી કે. મોડી તારીખમાં સુનાવણીને કારણે દાવો કર્યાનો હેતુ ઊભો રહી શકશે નહીં, અને દાવો વહેલી તકે ચલાવવામાં આવે. સેસન્સ અદાલતે આ અરજી મંજુર કરીને હવે તા.4ના રોજ સુનાવણી કરી લેવા ટ્રાયલ કોર્ટ તરફ નિર્દેશ કર્યો છે. અદાલતે આ બાબતની જાણ જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા અને પીજીવીસીએલને પણ કરવા માટે આ ઓર્ડરમાં જણાવ્યું છે. જેથી હવે મેળા મુદ્દે સોમવારે અદાલતમાં શું કાર્યવાહી થશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.