Get The App

બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
બોરસદમાં કમળાના 5 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું 1 - image


- પેટલાદના ચાંગા ગામ બાદ હવે

- શહેરના રાજા ફરી લાઈબ્રેરી, સૈયદ અને રબારી ચકલા સહિતના વિસ્તારમાં સર્વે શરૂ

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા પછી બોરસદ શહેરમાં એકાએક કમળાના રોગે માથું ઊંચક્યું છે. શહેરના લઘુમતી વિસ્તારમાં પાંચ જેટલા કમળાના કેસ જણાતા આણંદ જિલ્લાનું આરોગ્ય તંત્ર બોરસદ ખાતે દોડી આવી સર્વેની કામગીરી હાથ ધરી હતી. 

બોરસદ શહેરના રાજા ફરી લાઈબ્રેરી, સૈયદ ચકલા, રબારી ચકલા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકાની સફાઈ વિભાગની બેદરકારીને કારણે ચોમાસામાં ગંદકીના ઢગલા કોહવાઈ જતા દુર્ગંધ ફેલાઈ છે. રસ્તા ઉપર ગટરના પાણી રોજ રેળાવા છતાં લિકેજ દૂર નહીં કરતા આ વિસ્તારના લોકો પાણીજન્ય રોગના ભરડામાં સપડાયા છે. બે દિવસથી બાળકોમાં કમળાના રોગના લક્ષણો મળ્યા હતા. બાદમાં ધીમે ધીમે રોગ પ્રસરી જતા આજે પાંચ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. ત્યારે ૧૪થી વધુ દર્દીઓ આણંદ જિલ્લાના વિવિધ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોવાનું તેમજ બે દર્દીઓ વડોદરા ચેપી રોગના દવાખાનામાં સારવાર અર્થે ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે સરકારના ચોપડે માત્ર પાંચ દર્દીઓ જ નોંધાયા છે. 

બોરસદ પાલિકા દ્વારા દર ગુરૂવારે સુપર ક્લોરીનેશનની જાહેરાત જ કરાઈ છે પરંતુ ઓછા પીપીએમવાળું ક્લોરીનેશનનું પાણીનું કામ કરાયું નથી. જ્યારે ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે આ વિસ્તારમાં બારેમાસ ગટરના પાણી ઉભરાતા પાણીના ભરાવાના કારણે પાણીજન્ય રોગ ફેલાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

આણંદ જિલ્લાની ૧૨ કર્મચારીઓ સાથેની ૪ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેબલેટ, ઓઆરએસ પાવડરના વિતરણ સહિત સારવાર સંદર્ભે કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Tags :