છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર

Vadodara Corporation : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં કમળા સહિત પાણીજન્ય રોગચાળાથી પીડાતા અનેક દર્દીઓ દવાખાનામાં અને સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલ છે. ત્યારે આ વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ હંગામી આરોગ્ય અમલદારનો હુરિયો બોલાવીને ઘેરાવો કર્યો હતો. દસેક દિવસથી જાણ થવા છતાં પણ હંગામી આરોગ્ય અમલદારને વિસ્તારની મુલાકાત માટે આજે સમય મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે છાણી વિસ્તારમાં આવેલ એકતા નગરમાં પાણીજન્ય ઝાડા, ઉલટી, કમળા જેવા રોગચાળામાં બાળકો સહિત અનેક લોકો સપડાયા છે. પીવાના પીળાશ પડતા આવતા પાણી અંગે પાલિકા તંત્રને દસ દિવસ અગાઉ જાણ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરોને પણ સચેત કરાયા હતા પરંતુ આજ દિન સુધી કોઈ ફરક્યું નથી. પાલિકાના હંગામી આરોગ્ય અમલદારને આજે દસ દિવસે આ વિસ્તારની મુલાકાત લેવાનો વખત મળ્યો હતો. આરોગ્યની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચેલા હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યને સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં આરોગ્ય ખાતાના પેટનું પાણી પણ હાલ્યું નથી. તંત્રનો કોઈ કર્મચારી કે અધિકારી પણ તપાસ માટે આવ્યા નથી. અને માત્ર પાણીના સેમ્પલો લઈને પાલિકા તંત્રની આરોગ્ય ટીમે સંતોષ માન્યો હતો. જ્યારે બીજી બાજુ હંગામી આરોગ્ય અમલદારનો ઘેરાવો કરીને ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ રજૂઆત કરતા તેમણે કબુલાત કરી હતી કે તંત્રની જરૂર ક્યાંક કચાશ રહી ગઈ હોવાની શક્યતા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાં માત્ર એક કે બે દિવસ દર્દીને રાખીને રજા આપી દેવાય છે પરંતુ યોગ્ય સારવારનો અભાવ હોવાનો આક્ષેપ પણ થયો હતો. વિસ્તારના કેટલાય બાળકો કમળાના પાણીજન્ય રોગચાળાથી પીલાઈ રહ્યા છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં 1960માં આ વિસ્તારમાં પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગટરનું ગંદુ પાણી મિશ્રિત થતા રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પાલિકા તંત્ર દ્વારા જો કોઈ આ બાબતે નિકાલ નહીં લાવવામાં આવે તો આગામી સ્થાનિક ચૂંટણીનો પણ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારના કોર્પોરેટરોને પણ સવારે આવતા પીળા પાણી વખતે હાજર રહેવા વારંવાર કહેવા છતાં આજ દિન સુધી કોઈએ મુલાકાત સુધા લીધી નથી.
હાલ દિવાળીના તહેવારો નજીકમાં છે છતાં પણ બીમાર નાના બાળકોને લઈને દવાખાનાના ઝટકા ખાવાની નોબત આવી છે. રોગચાળાની પરિસ્થિતિમાં ઝઝુમી રહેલા એકતા નગરમાં હંગામી આરોગ્ય અમલદારને દસ દિવસ અગાઉ જાણ થઈ હોવા છતાં પણ રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવા ખાતાના મુકેશ વૈદ્યને સમય મળ્યો છે. જોકે હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યએ એકતા નગરના રોગચાળા બાબતમાં જણાવ્યું હતું કે, પાલિકા આરોગ્યની ટીમ છેલ્લા એક અઠવાડિયાથી સતત કાર્યરત છે અને પાણીના અનેક સેમ્પલો લેવાયા છે. જોકે પાણીજન્ય રોગચાળાથી પીડિત કેટલાક દર્દીઓ સયાજી હોસ્પિટલમાં પણ દાખલ થયા હોવાનો મુકેશ વૈદ્યએ એકરાર કર્યો હતો અને હાલમાં આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હોવાનું જણાવ્યું હતું. વોટર વર્કસ ખાતા સાથે સંકલન કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે તેવો બચાવ પણ હંગામી આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યએ કર્યો હતો.