આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ભાડભુજા હાડદૈવ દવાખાનું સીલ કરવાથી માંડીને પોલીસ ફરિયાદ પણ નોંધાશે
મહિલાના હાથમાં કોઇ મુશ્કેલી ન હોવા છતાંય, ડીગ્રી વિનાના હાડદૈવ યુવકે પાટો બાંધી દીધો હતો
ભાડભુજા હાડદૈવના વાયરલ વિડીયો મામલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

અમદાવાદ, શુ્ક્રવાર
શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા ભાડભુજા હાડદૈવના દવાખાનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલાના હાથમાં કોઇ દુખાવો કે મુશ્કેલી ન હોવા છતાંય, તેને તપાસવાનું નાટક કરીને પોતાને હાડવૈદ ગણાવતા યુવકે હાથ ઉતરી ગયો છે. તેવું કહીને પાટો બાંધીને સુચના આપી હતી કે તેમને દર પંદર દિવસે પાટો બદલવા આવવાનું છે અને પાટો એક મહિનાથી દોઢ મહિના સુધી રાખવો પડશે. આમ, ઓર્થોપેડિક તબીબ ન હોવા છતાંય, પોતાને તબીબ ગણાવીને ગેરકાયદે મેડીકલ પ્રેક્ટીશ કરવાનું અને એલોપેથી દવા લખી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે અસ્ફાક હારૂનભાઇ નામનો યુવક અને અન્ય બે યુવકો ત્યાં હાજર હતા. જે ભાડભુજા હાડદૈવના સંચાલકનો પુત્ર હતો. તેણે અન્ય એક યુવકને મહિલાનો હાથ તપાસવા માટે કહ્યું હતુ અને મહિલાને ચકાસ્યા વિના જ હાથ ઉતરી ગયો છે. જેથી ત્રણ પાટા લગાવવા પડશે તેમ જણાવીને સારવાર પણ કરી દીધી હતી.
આ વિડીયો અને અહેવાલ અનુસંધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે તેના અધિકારીઓને આ મામલે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. જેમાં ભાડભુજા હાડદૈવના દવાખાનામાં ડીગ્રી વિનો કોણે સારવાર કરી? ત્યાં ઓર્થોપેડ઼િક તબીબ હાજર હતા કે નહી? અને ત્યાં હાજર લોકો પાસે કેટલાં દર્દીઓ આવે છે?
આ તમામ બાબતો તપાસવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ચકાસણી બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર દવાખાનું સીલ કરવા સુધી કાર્યવાહી કરશે. આ ઉપરાંત, પોલીસ ફરિયાદ પણ નોંધાઇ શકે છે.