કેસો ચાલતા હોવા છતાં વાસણાની જમીન ખાલી કરાવવા રિક્ષામાં આવેલા ત્રણ સાગરીતોની ધમકી અને મારપીટ
વડોદરાઃ વાસણા વિસ્તારની અંદાજે દોઢ લાખ ફૂટની ૭૫ કરોડ જેટલી બજાર કિંમત ગણી શકાય તેવી જમીન ખાલી કરાવવા માટે કબજેદારને ધમકી આપી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીના નિલામ્બર સર્કલ નજીક રહેતા ગોપાલભાઇ માળીએ પોલીસને કહ્યું છે કે,અમારા પરિવારની વાસણા ગામે આવેલી જમીનનો દસ્તાવેજ રિયસ જયંતિભાઇ પટેલ(યોગીન ફ્લેટ્સ,સુવર્ણપુરી સોસાયટી,ચીકુવાડી)ના માતાના નામે થયો હતો.પરંતુ જમીનનો કબજો હજી અમારી પાસે છે અને ચેકો બાઉન્સ થતાં કોર્ટ ફરિયાદો ચાલી રહી છે.
આ દરમિયાન રિયસ પટેલે જમીનનો કબજો ખાલી કરાવવા માટે ધમકીઓ આપી હતી.ગઇ તા.૩૧મીએ રાતે રિક્ષામાં આવેલા ત્રણ જણાએ લારી ધારકોને જગ્યા ખાલી કરવા ધમકી આપતાં હું જમીન પર ગયો હતો.આ વખતે મિતેષ મકવાણાએ કહ્યું હતું કે,આ જગ્યા રિયસ પટેલે મને ભાડાકરારથી આપી છે અને ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
મેં રિયસભાઇને બોલાવવા કહેતાં ત્રણેય જણાએ મને ગાળો ભાંડીને લાફા માર્યા હતા. મિતેષે ચપ્પુ બતાવી ધમકી આપી હતી.જેથી ગોત્રી પોલીસે રિયસ પટેલ ઉપરાંત મિતેષ નગીનભાઇ મકવાણા(અમરનગર,નવાયાર્ડ), રોહિત સુધીરભાઇ ઠાકોર(શ્રીરામનગર, ગોરવા) અને ભાવેશ ઉર્ફે ભરત નટવરભાઇ હરિજન(નિત્યાનંદ સોસાયટી,લક્ષ્મીપુરા) સામે ગુનો નોંધ્યો છે.