યુ-ટયુબમાં વીડિયો જોઈ ઘરે બંદૂક બનાવવાનું શરૂ કર્યું પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો
માળિયામિંયાણાના ચીખલી ગામેથી શખ્સની ધરપકડ કરાઇ : બાર બોર સિંગલ બેરલ બંદૂક, હથિયાર બનાવવાનાં સાધનો, 60 ખાલી કાર્ટીસ, ગન પાવડર સહિતનો મુદ્દામાલ કબજે, બંદૂક ખરીદનાર શખ્સનું નામ ખુલ્યું
મોરબી, : આજના ઈન્ટરનેટ યુગમાં આંગળીના ટેરવે જ્ઞાાન ઉપલબ્ધ છે. જોકે જ્ઞાાનનો સદુપયોગ કરવો કે પછી દુરુપયોગ તે વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે. માળિયાના ચીખલી ગામે રહેતો શખ્સ યુ-ટયુબમાં વિડીયો જોઇને બંદૂક બનાવવા લાગ્યો હતો. તેને બંદૂક બનાવવા તેમજ રિપેરીંગ કરવાનું કામ કરતા પોલીસે ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે.
મોરબી એલસીબી ટીમને બામતી મળી હતી કે માળિયા (મી.) તાલુકાના ચીખલી ગામે રહેતો સલીમ માલાણી નામનો શખ્સ તેના મકાનના ફળિયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુક બનાવે છે. જે બાતમીને આધારે આરોપીના ઘરે રેડ કરતા પોલીસે રૂ 20,000ની દેશી બાર બોર સિંગલ બેરલ બંદુક, હથિયાર બનાવવાના સાધનો જેમાં ઇલેક્ટ્રિક વેલ્ડીંગ મશીન, અથગ કેબલ, વેલ્ડીંગ કેબલ, 2 ગ્રાઈન્ડર મશીન , ડ્રીલ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ, બાર બોરના ખાલી કાર્ટીસ નંગ 60, ગન પાવડર ભરેલ 2 શીશી , લોખંડના 111 જીણા છરા, વેલ્ડીંગ ચશ્મા સહીત 19070નો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને ઝડપી લીધો છે.અન્ય આરોપી સીદીક ઉર્ફે સીદો ઉમેદઅલી કાજેડીયાનું નામ ખુલ્યું છે. માળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપીએ પોલીસને કબૂલાત આપી હતી કે મોબાઈલ ફોનમાં યુ ટયુબમાં વીડિયો જોઇને હથિયાર બનાવવા અને રીપેરીંગ કરવાનું શીખ્યો હતો.એટલું જ નહિ આરોપી સીદીકે બે હથિયાર પૈકી એક હથિયાર આરોપી સલીમ પાસે અગાઉ બનાવડાવ્યું હતું. અને તે રીપેરીંગ માટે આપ્યું હતું.