જેની સાથે લીવ ઇનમાં રહેતો હતો તેની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી

મેટોડા વિસ્તારની ચોંકાવનારી ઘટના
ત્રણ-ત્રણ વર્ષ સુધી તરૂણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું, માતા જોઇ જતાં ભાંડો ફૂટયો : વિધર્મી યુવાનની ધરપકડ
રાજકોટ: મેટોડામાં રહેતી એક મહિલા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા શખ્સે તેની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેના આધારે મેટોડા પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સરતાજ ઉર્ફે સલીમ ઉર્ફે સલીયો હુશેન સોલંકી (ઉ.વ.૩૨)ની ધરપકડ કરી, તપાસના અંતે તેને જેલહવાલે કર્યો હતો.
મેટોડા જીઆઈડીસી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી હાલ મેટોડા વિસ્તારમાં રહે છે. મૂળ રાજકોટનો વતની છે. મેટોડામાં રહેતી મહિલા સાથે આરોપી દસેક વર્ષથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો. આ મહિલાની પુત્રી જ્યારે સગીર હતી ત્યારથી આરોપીએ તેની ઉપર નજર બગાડી હતી.
એટલું જ નહીં અવારનવાર તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. સાથોસાથ જો આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને કારણે ભોગ બનનારે કોઇને સત્ય હકીકતો જણાવી ન હતી.
ગઇ તા. ૨૫ના રોજ ભોગ બનનારની માતા કરિયાણુ લેવા ગઇ હતી. પાછળથી આરોપીએ તેની પુત્રી સાથે જબરદસ્તી કરી, શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે ભોગ બનનારની માતા આવી જતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર પછી ભોગ બનનારની પૂછપરછ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી આરોપી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હોવાનું જણાવ્યું હતું.
જેના આધારે ભોગ બનનારની ફરિયાદ પરથી મેટોડા જીઆઈડીસી પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. તપાસના અંતે પીઆઈ એસ.એચ. શર્માએ આરોપીને ઝડપી લીધો હતો. ભોગ બનનાર ૧૫ વર્ષની હતી ત્યારથી આરોપી તેની ઉપર દુષ્કર્મ ગુજારતો હોવાનું બહાર આવ્યું છે.








