પત્ની ઉપર ફાયરિંગ કરી આત્મહત્યા કરનાર લાલજીભાઈ પઢીયારે
સમગ્ર ઘટનામાં કેન્દ્ર સ્થાને રહેલા વિશાલ ગોહેલનું નિવેદન નોંધવા પોલીસની તજવીજ, પૂજાબેન સોનીનું નિવેદન લેવાયું
રાજકોટ: જામનગર રોડ પરના નાગેશ્વર મેઇન રોડ પર સમેત શિખર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક માસથી બહેનપણી સાથે રહેતી તૃષાબેન પઢીયાર (ઉ.વ.૩૯) ઉપર ગઇકાલે સવારે તેના પતિ લાલજીભાઇએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા બાદ પોતાના લમણે પણ ગોળી ઝીંકી આત્મહત્યા કરી લીધી હતી. આ ખોફનાક ઘટનામાં ઘાયલ તૃષાબેનની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. તેને સામાકાંઠે રહેતા ભત્રીજા વિશાલ ગોહેલ સાથે પ્રેમ સંબંધ હતો. જેને કારણે પતિ સાથે ઝઘડા ચાલતા હતા. તેના પરિણામે આ ઘટના બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ સ્થિતિમાં સમગ્ર ઘટનામાં કેન્દ્ર સ્થાને રહેલા વિશાલને પૂછપરછ માટે ગાંધીગ્રામ પોલીસે તેડુ મોકલ્યું છે. આજે જ તેની પૂછપરછ થવાની હતી. પરંતુ સંપર્ક થયો ન હતો. લાલજીભાઈના પરિવારજનોએ પોલીસને એવી માહિતી આપી છે કે તૃષાબેનના સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી તકરાર ચાલતી હતી. જે છેલ્લા ત્રણ માસથી વધી ગઇ હતી. આ જ કારણથી છેલ્લા દોઢેક માસથી તૃષાબેન પોતાના એપાર્ટમેન્ટની સામે સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતી બહેનપણી પૂજા સોની સાથે રહેવા જતા રહ્યા હતાં.
પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે ગઇકાલે સવારે નિયમ મુજબ પૂજાબેન અને તૃષાબેન એક્ટીવા ઉપર જીમ ગયા હતા. જ્યાંથી બંને પરત આવ્યા ત્યારે અગાઉથી રાહ જોઇને ઉભેલા લાલજીભાઇ પાર્કિંગમાં ધસી આવ્યા હતા. પત્ની તૃષા સાથે ઝઘડો થતાં તેને એક તમાચો ઝીંકી દીધા બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. આખરે લાલજીભાઇએ પિસ્તોલ કાઢી હતી. જે દ્રશ્ય જોઇ ડરી ગયેલા પૂજાબેન ત્યાંથી ભાગી ગયા હતાં.
આ પછી લાલજીભાઈએ પત્ની તૃષા ઉપર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ લમણે પિસ્તોલથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છઠ્ઠુ રાઉન્ડ ચેમ્બરમાં જ રહી ગયું હતું. ૩૨ બોરની આ પિસ્તોલ પોલીસે કબજે લઇ એફએસએલમાં મોકલી દીધી છે. ૨૦૧૭ની સાલમાં લાલજીભાઈએ હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસે પૂજાબેન સોનીનું નિવેદન નોંધ્યું છે. પરિવારના બાકીના સભ્યોના નિવેદનો નોંધવાની કામગીરી હાલ ચાલુ છે. સૌથી મહત્વનું નિવેદન વિશાલનું સાબિત થશે. આ ઉપરાંત તૃષાબેનના નિવેદનની પણ પોલીસ રાહ જોઇ રહી છે. હાલ બેભાન હાલતમાં હોવાથી પોલીસ હજુ સુધી તેનું નિવેદન લઇ શકી નથી.
- સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ
રાજકોટ: ફાયરિંગની આ સમગ્ર ઘટના સમેત શિખર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે તપાસના કામે આ સીસીટીવી ફૂટેજ અને બીજી વસ્તુઓ કબજે લીધી છે.


