Get The App

પાંચસોથી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગ ધરાવતા બોપલ વિસ્તારમાં ૪૩ કરોડના ખર્ચે બનાવાયેલુ ફાયર સ્ટેશન કાર્યરત કરાયું

સાત ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ ઉપરાંત વોટરકેનન, ગજરાજ સહિત નવા ત્રીસ વાહનોનો ફાયર વિભાગમાં સમાવેશ

Updated: May 1st, 2023

GS TEAM

Google News
Google News
પાંચસોથી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગ ધરાવતા બોપલ વિસ્તારમાં ૪૩ કરોડના ખર્ચે  બનાવાયેલુ ફાયર સ્ટેશન કાર્યરત કરાયું 1 - image

અમદાવાદ,સોમવાર,1 મે,2023

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાંચસોથી વધુ હાઈરાઈઝડ બિલ્ડિંગ આવેલા છે.બોપલ વિસ્તારમાં રુપિયા ૪૩ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલા નવા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામા આવ્યુ છે.સાત ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ ઉપરાંત વોટરકેનન,ગજરાજ સહિત નવા ત્રીસ વાહન ફાયર વિભાગના કાફલામા સમાવાયા છે.બોપલ ઉપરાંત અમદાવાદ બહાર આવેલા બાવળા,ચાંગોદર જેવા  બે લાખથી વધુ વસ્તી ધરાવતા  બોપલ ફાયર સ્ટેશન શરુ થતા આગની ઘટનામા ઝડપથી ફાયર વિભાગની મદદ મળી શકશે.

મ્યુનિસિપલ હદમાં સમાવવામાં આવેલા બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા રુપિયા ૪૩ કરોડના ખર્ચથી ફાયર સ્ટેશન બનાવવાની શરુઆત કરવામા આવી હતી.બે વર્ષમાં નવુ ફાયર સ્ટેશન તૈયાર થતા શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ વગેરેની ઉપસ્થિતિમાં ફાયર સ્ટેશન કાર્યરત કરવામા આવ્યુ હતુ.બોપલ ફાયર સ્ટેશન શરુ થવાથી બોપલ ઉપરાંત રીંગરોડ,શેલા તેમજ સાંતેજ,બાવળા  જી.આઈ.ડી.સી.સુધીના વિસ્તારમાંથી અમદાવાદ ફાયર વિભાગને મળતા અંગારકોલ ગણતરીની મિનીટમાં એટેન્ડ કરી શકાશે.બોપલ ફાયર સ્ટેશન ખાતે હાલ એક એમ્બ્યુલન્સ તથા અન્ય પાંચ વાહન સાથે ફાયર વિભાગના સ્ટાફને ફરજ ઉપર મુકવામા આવ્યો છે.ફાયર વિભાગમાં જે વાહનોનો સમાવેશ કરવામા આવ્યો છે.અમદાવાદમાં વીસમા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામા આવ્યુ છે.બીજી તરફ ઓઢવ ફાયર સ્ટેશન બે વર્ષથી બંધ કરી દેવામા આવ્યુ છે.દાણાપીઠ ખાતે નવુ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે.પાંચકૂવા ફાયર સ્ટેશનનુ બિલ્ડિંગ જર્જરીત હોવાછતાં ફાયર સ્ટાફ ત્યાં રહી ફરજ બજાવે છે.

૮૮૦ જગ્યા સામે ફાયર વિભાગ પાસે ૫૭૧નો જ સ્ટાફ

અમદાવાદ ફાયર વિભાગના મહેકમ ઉપર વહીવટી અને ટેકનીકલ મળી કુલ ૮૮૦ જગ્યા છે.જે સામે હાલમાં માત્ર ૫૭૧નો જ સ્ટાફ છે.ચીફ ફાયર ઓફિસર તેમજ એડીશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યા ચાર્જ આપીને ચલાવવામા આવી રહી છે.બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર,સ્ટેશન ઓફિસર તથા ૬૪ ફાયરમેન સહિત ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર,ફાયરમેન અને સફાઈ કામદાર જેવી ત્રણસોથી વધુ જગ્યા ઘણા સમયથી ખાલી છે.