Get The App

૧૫૦૦થી પણ વધુ દિવસથી બંધ એવા હયાત હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી મુંબઈની કંપનીને મળી શકે

મુંબઈની કંપનીએ ઓછા ભાવ ભરતા લોએસ્ટ વન તરીકે આવી છે

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News

 ૧૫૦૦થી પણ વધુ દિવસથી બંધ એવા હયાત હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી મુંબઈની કંપનીને મળી શકે 1 - image      

 અમદાવાદ,શનિવાર,5 જુલાઈ,2025

રુપિયા ૪૦ કરોડના ખર્ચે  કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા હાટકેશ્વરબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજ ૧૫૦૦થી પણ વધુ દિવસથી બંધ છે. હયાત હાટકેશ્વરબ્રિજને તોડવાની કામગીરી મુંબઈની એક કંપની શ્રી ગણેશ કોર્પોરેશનને મળે એવી વકી છે. કોર્પોરેશને હયાત બ્રિજ તોડવા રુપિયા ૯.૩૧ કરોડનું ટેન્ડર કર્યુ હતુ.જેની સામે આ કંપનીએ ઓછા ભાવ ભરતા લોએસ્ટ તરીકે આવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

હાટકેશ્વર જંકશન ઉપર વર્ષ-૨૦૧૭માં રુપિયા ૪૦ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ લોકોની અવરજવર માટે શરુ કરવામાં આવ્યાના થોડા મહીનાઓમાં બ્રિજ ઉપર ગાબડા પડવાની શરુઆત થતા અવારનવાર બંધ કરીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા બ્રિજ ઉપર પડતા ગાબડાં પુરવા પ્રયાસ કરાયો હતો.આ બ્રિજનો ડીફેકટ લાયાબીલીટી પિરિયડ માત્ર એક વર્ષનો રાખવામાં આવ્યો હતો.હયાત બ્રિજને લઈ આઈ.આઈ.ટી.રુરકી સહિત ત્રણ સંસ્થાઓના તજજ્ઞોની પેનલે હયાત બ્રિજને સુપર સ્ટ્રકચર સહિત તોડી પાડી નવો બનાવવા મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ સબમીટ કરતા મ્યુનિ.તંત્ર તરફથી હયાત બ્રિજને તોડી નવો બનાવવા અગાઉ ચાર વખત ટેન્ડર કરાયા હતા. છેલ્લે કરવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનના એક માત્ર પુંગલીયાનુ સિંગલ ટેન્ડર આવ્યુ હતુ. કોન્ટ્રાકટરે રુપિયા ૧૧૩ કરોડના ખર્ચથી હયાત બ્રિજ તોડી નવો બનાવવા ઓફર કરી હતી.પરંતુ એ ટેન્ડર  રાજકીય દબાણ હેઠળ રદ કરાયુ હતું.

Tags :