વડોદરાની હર્ષિતા UPSCમાં બીજા ક્રમે, સોશ્યલ મીડિયામાં બધુ ખરાબ નથી
વડોદરાઃ યુપીએસસી ના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાની હર્ષિતા ગોયલે સમગ્ર ભારતમાં બીજો ક્રમ મેળવીને ઈતિહાસ રચ્યો છે.હર્ષિતાએ કહ્યું હતું કે મેં પરીક્ષાની તૈયારી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ નહોતો કર્યો. એવું નથી કે સોશિયલ મીડિયા ખરાબ જ છે.તેના પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે.આવા જ એક એકાઉન્ટ ના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમે તમારા પર નિયંત્રણ રાખી શકતા હોય તો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જો તમને એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.
મૂળ હરિયાણાની પરંતુ ૧૮ વર્ષથી વડોદરામાં રહેતી હર્ષિતાએ ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એમ એસ યુનિવસટી ની કોમર્સ ફેકલ્ટીમાંથી ૨૦૨૦ માં ડિગ્રી મેળવી હતી. સાથે સાથે પહેલા જ પ્રયાસમાં સીએ ની પરીક્ષા પણ પાસ કરી હતી.ત્રીજા પ્રયત્નમાં તેણે યુપીએસ સીની પરીક્ષામાં પણ ઝળહળતી સફળતા મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. હર્ષિતાએ યુપીએસસી માટે અમદાવાદની સ્પીપા માં તૈયારી કરી હતી.
આઈએએસ બનવા માગતી હર્ષિતાએ કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજો ક્રમ મળ્યો છે. મેંં સીએની ડીગ્રી મેળવી ત્યાં સુધી તો યુપીએસસી પરીક્ષા અંગે વિચાર્યું નહોતું.ં એ પછી પિતાની પ્રેરણા થી મેં સિવિલ સવસ નો અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું . પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૃરી છે .ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય.તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૃરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેમની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી.તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ અને તે પ્રમાણે નિર્ણય લેવા જોઈએ.
નાનપણથી જે કામ હાથમાં લે તે પૂરુ કરે છેઃ પિતા
હર્ષિતાના પિતા ગોવિંદભાઈ ગોયલે કહ્યું હતું કે, નાનપણથી તે જે કામ હાથમાં લે તે પુરુ કરે છે.હું એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું.૨૦૧૪માં મારી પત્નીનું અવસાન થયું ત્યારે હર્ષિતા ધો.૧૦માં અભ્યાસ કરતી હતી.આ સમય ભારે સંઘર્ષપૂર્ણ હતો પરંતુ તેણે અભ્યાસ પરથી ક્યારેય ધ્યાન હટાવ્યું નહોતું.સિંગલ ફાધર તરીકે મેં હર્ષિતાનો અને મારા દીકરાનો ઉછેર કર્યો છે.હું મૂળ તો હરિયાણાનો છું પણ હવે ગુજરાત જ અમારુ ઘર છે.હર્ષિતાને પણ ગુજરાત સાથે બહુ લગાવ છે. તેની ઈચ્છા તો ગુજરાતમાં જ પોસ્ટિંગ મળે તેવી છે.
યુપીએસસી ભવનને ઢોલપુર હાઉસ કેમ કહેવાય છે?
ડોનાલ્ડ ટ્રમ્પે ઝીંકેલા ટેરિફના કારણે ભારતને શું ફાયદો થશે?
અડધો કલાકના ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા મોટાભાગના સવાલ ઈકોનોમીને લગતા હતા
હર્ષિતાએ કહ્યું હતું કે, મારો ઈન્ટરવ્યૂ લગભગ અડધો કલાક ચાલ્યો હતો.મોટાભાગના સવાલો ઈકોનોમીને લગતા હતા.મને પૂછવામાં આવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફના કારણે ભારતને શું ફાયદો થશે? જેના જવાબમાં મેં કહ્યું હતું કે, અન્ય દેશો કરતા ભારત પર લગાવાયેલો ટેરિફ ઓછો હોવાથી ભારતમાં મેન્યુફેક્ચિંગ સહિતની આર્થિક ગતિવિધિઓને ઉત્તેજન મળશે.આ ઉપરાંત ગુજરાતમાં કયા કારણસર સેમિ કન્ડકટર કંપનીઓ રોકાણ કરી રહી છે તેવો સવાલ પણ પેનલના એક સભ્યે પૂછયો હતો.ભારત કયા કયા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે તેવો પણ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હતો.
હર્ષિતાના કહેવા પ્રમાણે એક સવાલનો જવાબ હું નહોતો આપી શકી અને એ સવાલ હતો કે, યુપીએસસી ભવનને ઢોલપુર હાઉસ કેમ કહેવામાં આવે છે અને મેં વિનમ્રતાથી કહ્યું હતું કે, સોરી સર મને આ બાબતની જાણકારી નથી.
ગુજરાત મહિલાઓ માટે સેફ, તમામ રાજ્યોના લોકોને આવકાર મળે છે
મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભાષાના નામ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મૂળ હરિયાણાની પણ ગુજરાતમાં જ ભણીને મોટી થયેલી હર્ષિતાએ કહ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ બિન સાંપ્રદાયિક છે.અલગ અલગ રાજ્યોમાંથી ઘણા લોકો ગુજરાતમાં આવીને વસ્યા છે.મને પોતાને ક્યારેય હું ગુજરાત બહારની હોઉં તેવું લાગ્યું નથી.ગુજરાત મહિલાઓ માટે બીજા રાજ્યોની સરખામણીએ વધારે સુરક્ષિત છે અને અન્ય રાજ્યોના લોકોને આવકારતો માહોલ છે.