Gujarat

દરોડો પાડયાનો દેખાવ કરી વેપારીઓને પરેશાન કરતાં GST અધિકારીઓ

By GS TEAM
27 Jul 20252 mins read
દરોડો પાડયાનો દેખાવ કરી વેપારીઓને પરેશાન કરતાં GST અધિકારીઓ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા કલમ ૬૭(૧)નો દુરુપયોગ કરીને વેપારીઓ પાસેથી ગેરલાભ ઊઠાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવૂ રહ્યો છે. કલમ ૬૭ (૧)માં હેઠળ વેપારીએ કરેલા આથક વહેવારો છુપાવ્યા હોવાની, જરૃર કરતાં વધુ પ્રમાણમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાની તથા જીએસટી એક્ટની કોઈપણ કલમનો કે પછી એક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા નિયમોનો ભંગ કરીને પ્રવૃત્તિ કરવામાં આવી હોવાને નામે વેપારીઓને દબડાવવામાં આવી રહ્યા છે.

આ કલમ હેઠળ પહેલા વેપારીઓને નોટિસ આપવામાં આવે છે. આ નોટિસના સંદર્ભમાં પૂછપરછ કરવા માટે તેની ઓફિસ કે દુકાનમાં આવી જાય છે.

અધિકારીઓને દુકાનમાં આવીને ઇન્સ્પેક્શન કરવાની કે સ્ટોકની ચકાસણી કરવાની સત્તા કલમ ૬૭(૧) હેઠળ મળેલી છે. પરંતુ નાણાંની રિકવરી કરવાની કે પછી જપ્તી કે એટેચમેન્ટ કરવાની સત્તા મળતી નથી. જપ્તી અને એટેચમેન્ટ કરવાની કે રિકવરી કરવાની સત્તા કલમ ૬૭(૨) હેઠળ મળેલી છે.

આ તફાવત વેપારીઓને ખબર ન હોવાથી અધિકારીઓ આવીને તપાસ કરવા આવ્યા હોવાનું વેપારીઓને કે પેઢીના માલિકોને જણાવી દે છે. પરિણામે કાયદાની બારીકાઈની જાણકારી ન ધરાવતા વેપારીઓ તેમને ત્યાં દરોડો પડયો હોવાનું માનીને ગભરાઈ જાય છે. તેમના મોબાઈલ ફોન ૬૭(૧)ની તપાસમાં લેવાની સત્તા ન હોવા છતાં.

બીજું, જીએસટી અધિકારી આવે ત્યારે તેમણે વોરંટ લાવવાનું હોય છે. આ વોરંટ કલમ ૬૭(૧)નું છે કે કલમ ૬૭(૨)નું છે તેની સ્પષ્ટતા કરવાની હોય છે. ત્યારબાદ તેમની સ્ટોકની અને તેમના હિસાબોની તપાસ કરવા માંડી જાય છે. આ પ્રક્રિયા પૂરી કર્યા પછી તેમની પાસેથી સીજીએસટી અને એસજીએસટીની મોટી રકમના લેણા કાઢીને વેપારીઓને ડરાવી ધમકાવીને તેમની પાસેથી સારી એવી રકમ લઈ લેતા હોય છે. આ અંગેની એક ફરિયાદ પણ સીજીએસટીના ચીફ કમિશનર સુનિલ કુમાર મલને કરી છે. આ ગેરરીતિઓને ડામવા માટે અધિકારીઓને કંપનીઓની ઓફિસમાં કે વેપારીઓની પેઢી કે દુકાનમાં જવા દેવાને બદલે માત્ર સરકારી કચેરીમાં બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવે તો વેપારીઓ છેતરાતા બચી જવાની સંભાવના હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઓફિસે આવતા અધિકારીઓ નાની નાની ભૂલો બતાવીને વેપારીઓને ડરાવવાનું કામ કરી રહ્યા છે. તેમને નાની ભૂલ માટે દંડ કરવાને બદલે તેઓ માર્ગદર્શન આપીને કામ સરળ બનીવી શકે છે એમ શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું માનવું છે. મોટી ઉંમરના વેપારીઓ કાયદાને સમજી શકતા નથી. તેથી આ વ્યવસ્થા કરવી જરૃરી છે. તેમ જ વેપારીઓને તેમની સાથે તેમના ટેક્સ કન્સલ્ટન્ટને લઈને આપવાની છૂટ પણ આપવી જરૃરી છે.

કલમ ૬૭(૧) અને કલમ ૬૭(૨)ના તફાવત અંગે વેપારીઓને માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા પણ ડિપાર્ટમેન્ટે જ કરવી જોઈએ. તેમ થશે તો વેપારીઓ છેતરાતા અટકી જશે.