સરખેજ આશ્રમના વિવાદનો અંત નહીં આવતા હરિહરાનંદ બાપુ ગુમ
શિવરાત્રીના મેળામાં હરિહરાનંદ બાપુ મહામંડલેશ્વર બન્યા'તા ભારતીબાપુના ઉત્તરાધિકારી એવા હરિહરાનંદબાપુ વીડિયો અને ચીઠ્ઠીમાં પોતાને બદનામ કરતા હોવાનું દર્શાવી ગાયબ થઈ જતાં ભાવિકોમાં ચિંતા
જૂનાગઢ, :સરખેજ અને ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીબાપુ સરખેજ આશ્રમના વિવાદના કારણે નીકળી ગયા બાદ ગુમ છે. હરિહરાનંદબાપુને તાજેતરમાં યોજાયેલા શિવરાત્રી મેળા વખતે જ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી.બ્રહ્મલીન ભારતીબાપુએ પોતાના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદબાપુના નામનું વિલ કર્યું હતું.
જૂનાગઢનાં ભવનાથમાં આવેલા ભારતીઆશ્રમ અને સરખેજ નજીક આવેલા આશ્રમમના મહંત હરિહરાનંદબાપુ સરખેજ આશ્રમના વિવાદના કારણે કંટાળી જઈને નીકળી ગુમ થયા બાદ ગાયબ છે. તેઓએ વિડીયો અને ચિઠ્ઠી લખી પોતાને ધમકી આપવામાં આવતો હોવા ઉપરાંત બદનામ કરવામાં આવે છે અને માણસો દબાણ કરે છે એવો ઉલ્લેખ કર્યો છે. છેલ્લે તેઓનો સંપર્ક વડોદરામાં થયો હતો. બાદમાં તેનો સંપર્ક ન થતા આજે વડોદરાના વાડી પોલીસમાં ગુમ થયાની અરજી આપવામાં આવી છે. હરિહરાનંદ ભારતીબાપુને ગત ફેબ્રુ. માસમાં મહાશિવરાત્રી મેળા સમયે જુના અખાડાના આચાર્યએ મહામંડલેશ્વરની પદવી આપી હતી. સામાન્ય રીતે આ પદવી કુંભમેળામાં જ આપવામાં આવે છે. પરંતુ હરિહરાનંદભારતી બાપુને જૂનાગઢના શિવરાત્રી મેળામાં આ પદવી આપવામાં આવી હતી. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ પોતાના ઉત્તરાધિકારી તરીકે હરિહરઆનંદ બાપુના નામનું વિલ બનાવ્યું હતું અને તેની નિમણુંક કરી હતી. પરંતુ નર્મદાકાંઠે આવેલા સનાથળ આશ્રમ આપવા તૈયાર હોવા છતાં સરખેજ આશ્રમના વિવાદનો અંત ન આવતા કંટાળી બાપુ નીકળી જતા અનુયાયીઓમાં ચિંતા વ્યાપી છે.
પોલીસે CC TV ચેક કરતા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર : સ્વામી શ્રી હરિહરાનંદ છેલ્લે વડોદરા નજીકની ક્રિષ્ણા હોટલ તરફ જતા દેખાયા હતા
ગરૂડેશ્વરના ગોરા ગામ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ હાઇવે પર કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થતા ભક્તોમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું છે.આ અંગે એક ભક્તે વાડી પોલીસ સ્ટેશનમાં 1 લી તારીખે જ ગૂમ થયાની જાણ કરી હતી.પોલીસે અલગ અલગ બે ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.પરંતુ,ગાદીપતિ ગૂમ થયાના 48 કલાક પછી પણ પોલીસ હજી તેમની ભાળ મેળવવામાં નિષ્ફળ નિવડી છે.
પોલીસે બે ટીમ બનાવી તપાસ શરૂ કરી: 48 કલાક પછી પણ બાપુની ભાળ મળી નથી
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં શ્રી ભારતી આશ્રમના ભક્ત પરમેશ્વર ભારતીએ વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જણાવ્યું છે કે,ગત તા. 30 મી તારીખે બપોરે બાર વાગ્યે અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ અમારા આશ્રમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ડો.રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેક અપ કરાવવા માટે ગયા હતા.અને ત્યાં ચેક અપ કરાવીને સાંજે સાડા પાંચ વાગ્યે કેવડિયા આશ્રમ આવવા નીકળ્યા હતા.વડોદરા આવતા વડોદરા કપુરાઇ ચોકડી પાસે રૂદ્રાક્ષ હાઇટમાં રહેતા સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયાના ઘરે રાતે ભોજન કરવા માટે રોકાયા હતા. તેઓને કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે તેમના શિષ્ય કાળુ ભારતીની ત્યા જવાનું હોઇ નીકળ્યા હતા.સેવક રાકેશભાઇ તેમની પોતાની કારમાં કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેક પોસ્ટની પાછળ આવેલા હનુમાન દાદાની ડેરીએ છોડવા આવ્યા હતા.ત્યારબાદ સેવક રાકેશભાઇ પરત ઘરે જતા રહ્યા હતા.
હરિહરાનંદ ભારતીજી બીજે દિવસે સવારે દશ વાગ્યા સુધી આશ્રમે નહી આવતા મેં સેવક કાળુભાઇને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે, મહારાજ રાતે અહીંયા આવ્યા જ નથી.જેથી,મેે રાકેશભાઇને કોલ કર્યો હતો.રાકેશભાઇએ મને કહ્યું હતું કે,બાપુને કપુરાઇ ચોકડી પાસે મૂકી દીધા હતા.ત્યારબાદ બાપુ વિશે મને કંઇ જ ખ્યાલ નથી.જેથી,અમે સેવક સમુદાય તથા બાપુના અન્ય આશ્રમ જૂનાગઢ તપાસ કરતા ત્યાં પણ બાપુની કોઇ ભાળ મળી નહતી.
વાડી પોલીસ સ્ટેશનમાં 1 લી તારીખે ગૂમ થયાની જાણ કર્યા પછી પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસે બે ટીમ બનાવી કપુરાઇ ચોકડી તથા વાઘોડિયા ચોકડી પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી.બાપુ રોડ ક્રોસ કરીને સામે ક્રિષ્ણા હોટલ તરફ જતા છેલ્લે દેખાયા હતા.ત્યારબાદ બાપુની કોઇ ભાળ મળી નથી.