હાર્દિક મહેતાની પણ ઈકો સેલે સવા મહિના પહેલા ધરપકડ કરી હતી પણ જાહેરાત ટાળી હતી
રૂ.7800 કરોડના ક્રિકેટ સટ્ટા બેટીંગ નેટવર્કના સૂત્રધાર સહિત પાંચની ધરપકડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરવા પાછળ ઈકો સેલની શું મજબૂરી?
સવા મહિના અગાઉ પકડેલા હાર્દિકની ધરપકડ અંગે ખુલાસો કરવાને બદલે ઈકો સેલનું રટણ, હજુ તપાસ ચાલુ છે..
- રૂ.7800 કરોડના ક્રિકેટ સટ્ટા બેટીંગ નેટવર્કના સૂત્રધાર સહિત પાંચની ધરપકડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરવા પાછળ ઈકો સેલની શું મજબૂરી?
- સવા મહિના અગાઉ પકડેલા હાર્દિકની ધરપકડ અંગે ખુલાસો કરવાને બદલે ઈકો સેલનું રટણ, હજુ તપાસ ચાલુ છે..
સુરત, : રૂ.7800 કરોડના ક્રિકેટ સટ્ટા બેટીંગ નેટવર્કના સૂત્રધાર હાર્દિક મહેતાની પણ ઈકો સેલે સવા મહિના અગાઉ ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ધરપકડ કરી હતી પણ તેની ય જાહેરાત કરવાનું ટાળ્યું હતું.નેટવર્કમાં સામેલ સૂત્રધાર સહિત પાંચની ધરપકડ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરવા પાછળ ઈકો સેલની શું મજબૂરી? તે ચર્ચા થઈ રહી છે.
સુરત ઈકો સેલે એસઓજી સાથે મળી ગત 1 ઓક્ટોબર 2022 ના રોજ ડિંડોલી રાજમહેલ શોપીંગ સેન્ટરની ત્રણ દુકાનમાં દરોડા પાડી યુધ્ધગ્રસ્ત યુક્રેન ખાતેથી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ઓનલાઇન સટ્ટા બેટિંગના ગેરકાયદે આર્થિક ટ્રાન્ઝેક્શનના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.ક્રિકેટ સટ્ટા બેટીંગના દુબઈથી ઓપરેટ થતા આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં તપાસ કરી રહેલા સુરત ઇકો સેલે સટ્ટા બેટીંગનું નેટવર્ક સંભાળતા કિશન ચૌધરીના ઈશારે જુદાજુદા એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા અને તેમને તે કામના પગાર ચુકવતા ચાર આરોપીની ગત રવિવારે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.જોકે, ઈકો સેલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરતા કંઈક રંધાયાની ચર્ચા હતી.
આજરોજ ઈકો સેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતી પ્રેસનોટ ઈસ્યુ કરતા તેમાં વધુ એક આરોપીની ધરપકડ તેમણે છુપાવી હોવાનો ખુલાસો થયો હતો.પ્રેસનોટમાં જણાવ્યા મુજબ ઈકો સેલે ક્રિકેટ સટ્ટા બેટીંગ નેટવર્કના સૂત્રધાર હાર્દિક નવીનચંદ્ર મહેતા ( ઉ.વ.31, રહે.16/બી, વિવેકનગર સોસાયટી, વિજયનગર ચાર રસ્તા, નારણપુરા, અમદાવાદ ) ની ગત 27 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે ધરપકડ કરી તેના 30 સપ્ટેમ્બરના સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ પણ મેળવ્યા હતા.ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ઈકો સેલે તેની ધરપકડ કરી હતી.એટલે કદાચ દોડધામમાં ભૂલી ગયા હશે.પણ ત્યાર બાદ તે અંગે અને ગત રવિવારે ઝડપાયેલા અન્ય ચાર આરોપીઓ અંગે સત્તાવાર જાહેરાત નહીં કરવા પાછળ ઈકો સેલની શું મજબૂરી? તે ચર્ચા થઈ રહી છે.
આજરોજ પત્રકાર પરિષદમાં પીઆઈ એન,જી.ચૌધરીને જયારે સવા મહિના અગાઉ પકડેલા હાર્દિકની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે યોગ્ય ખુલાસો કરવાને બદલે હજુ તપાસ ચાલુ છે તેવું રટણ કર્યું હતું.